કેન્ટ અને સસેક્સમાં 26 જૂનથી હોસપાઇપ પર પ્રતિબંધ લદાયો

સાઉથ ઇસ્ટ વોટરે ગ્રાહકોને જરૂરી હેતૂઓ માટે જ પાણી વાપરવા ચેતવણી આપી

Tuesday 20th June 2023 12:43 EDT
 

લંડનઃ સાઉથઇસ્ટ વોટર કંપનીએ જણાવ્યું છે કે કેન્ટ અને સસેક્સમાં પીવાના પાણીની માગ રેકોર્ડ સ્તરે પહોંચી છે તેથી આ બંને કાઉન્ટીમાં હોસપાઇપ અને સ્પ્રિન્કલર્સ પર પ્રતિબંધ લાદવા સિવાય અન્ય કોઇ વિકલ્પ નથી. ક્રોબરો, રોધરફિલ્ડ, મેફિલ્ડ અને વેડહર્સ્ટમાં 2000થી વધુ રહેવાસીઓને રવિવારથી પાણી મળ્યું નથી. શાળાઓ અને બિઝનેસ બંધ કરી દેવામાં આવ્યાં છે અને પ્રાણીઓ પણ પાણીની અછતનો સામનો કરી રહ્યાં છે. કંપનીના સીઇઓ ડેવિડ હિન્ટને જણાવ્યું હતું કે, કેન્ટ અને સસેક્સમાં હોસપાઇપ અને સ્પ્રિન્કલર્સના ઉપયોગ પર 26 જૂનથી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તેનો અર્થ એ થયો કે 26 જૂનથી આ વિસ્તારના લોકો તેમના ગાર્ડનમાં પાણી માટે હોસપાઇપનો ઉપયોગ કરી શકશે નહીં. કાર ધોઇ શકાશે નહીં. સ્વિમિંગ પુલ પણ ભરી શકાશે નહીં. આ પ્રતિબંધની અસર કંપનીના 2.3 મિલિયન ગ્રાહકોને થશે.

વધી રહેલી ગરમી અને વરસાદમાં ઘટાડાને પગલે યુકેમાં લાખો પરિવારોને પાણી બચાવવાની અપીલ કરાઇ છે. કેન્ટ, સસેક્સ, સરે, હેમ્પશાયર અને બર્કશાયરમાં 2.3 મિલિયન ગ્રાહકોને પાણી પૂરી પાડતી સાઉથ ઇસ્ટ વોટર કંપનીએ આ વિસ્તારોમાં ગરમીનો પારો 30 ડિગ્રી પર પહોંચી જતાં ચેતવણી જારી કરી હતી. કંપનીએ તેના ગ્રાહકોને આવશ્યક હેતૂઓ માટે જ પાણીનો વપરાશ કરવાની અપીલ કરી છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તાજેતરના દિવસોમાં કંપનીના દાયરામાં આવતા વિસ્તારોમાં ગરમીનો પારો ઊંચો જઇ રહ્યો છે અને લાંબા સમયથી વરસાદમાં ઘટાડો નોંધાયો છે ત્યારે અમારે ગ્રાહકોને પીવાનું પાણી પુરું પાડવા માટે સામાન્ય કરતાં વધુ પાણી પમ્પ કરવું પડે છે. એપ્રિલ મહિનાના અંતથી યુકેમાં પુરતા પ્રમાણમાં વરસાદ નોંધાયો નથી. જેના કારણે તમામ ગ્રાહકોને પાણી પુરું પાડવાની અમારી ટ્રીટમેન્ટ અને પમ્પિંગ ક્ષમતાઓ પર અસર પડી રહી છે.

કંપનીએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સપ્તાહથી પાણીની માગમાં વધારો થયો છે. અમે મેઇડસ્ટોન અથવા ઇસ્ટબોર્નના કદના ચાર શહેરોને પુરું પાડી શકાય તેટલું વધારાનું પાણી ટ્રીટ અને સપ્લાય કરી રહ્યાં છીએ. જેના કારણે સમગ્ર પ્રદેશમાં આવેલી અમારી સ્ટોરેજ ટાંકીઓ પર પણ અસર પડી રહી છે. તેથી અમે અમારા ગ્રાહકોને પીવા, રસોઇ અને હાઇજિન જેવા અત્યંત આવશ્યક હેતૂઓ માટે જ પાણીનો વપરાશ કરવાની અપીલ કરીએ છીએ. જો આપણે આગામી થોડા દિવસ પાણીની કરકસર કરી લઇશું તો અમે અમારો સપ્લાય પૂર્વવત કરી લઇશું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter