લંડનઃ કેન્ટની એક શાળામાં વિશેષ જરૂરિયાત ધરાવતા અને અસહાય બાળકો સાથે ક્રૂરતા આચરવાના ગંભીર આરોપસર 47 વર્ષીય ટીચિંગ આસિસ્ટન્ટ દાનુસ્કા પુલિયાને ચાર વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. મેડસ્ટોન ક્રાઉન કોર્ટે ગત 8 મે, 2026ના રોજ આ ચુકાદો આપ્યો હતો.
દાનુસ્કા પુલિયા વિરુદ્ધ તેમની જ સાથે કામ કરતા સહકર્મીઓએ અવાજ ઉઠાવ્યો હતો. સાથી કર્મચારીઓએ પુલિયાને બાળકોને માર મારતા, ચિટીયા ભરતા અને તેમની પર થૂંકતા નજરે જોયા હતા. આ અમાનવીય વર્તનની જાણ થતા જ કેન્ટ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
ડિસેમ્બર 2023માં પુલિયા વિરુદ્ધ ચાર ગંભીર ગુનાઓ હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જોકે તેમણે તમામ આરોપો નકાર્યા હતા, પરંતુ નવેમ્બરમાં જ્યુરીએ તેમને સર્વસંમતિથી દોષિત જાહેર કર્યા હતા. બ્રિટનમાં શાળાઓમાં બાળકો સાથે થતી આવી ક્રૂરતાને ગંભીરતાથી લેવામાં આવે છે અને આ ચુકાદો તે દિશામાં એક મહત્વનું પગલું માનવામાં આવે છે.

