લંડનઃ કેન્ટના બ્રોડસ્ટેર્સની હાઇસ્ટ્રીટમાં પતિ અક્ષિત પટેલ સાથે મળીને સ્ટોર ચલાવતા કિન્નરી પટેલ પર 20 ઓગસ્ટના રોજ 15 વર્ષીય શોપ લિફ્ટર સગીરાએ હુમલો કર્યો હતો. સગીરા દારૂની એક બોટલ ચોરીને નાસી રહી હતી ત્યારે કિન્નરી પટેલે તેને પકડવાનો પ્રયાસ કરતાં સગીરાએ કિન્નરી પટેલ પર હુમલો કરી જમીન પર પછાડી દીધાં હતાં જેના કારણે કિન્નરી પટેલ અને તેમની દીકરી અત્યંત ભયભીત થઇ ગયાં હતાં. પોલીસે 15 વર્ષીય સગીરાની રોબરી અને અસોલ્ટના ચાર્જમાં ધરપકડ કર્યા બાદ જામીન પર મુક્ત કરી હતી.
આ હુમલાના કારણે અક્ષિત પટેલ અને પરિવાર અત્યંત ભયભીત થઇ ગયો હતો. અક્ષિત પટેલે જણાવ્યું હતું કે, સ્થાનિક લોકોનો અમને ભરપૂર સપોર્ટ છે તેમ છતાં અમે હવે આ વિસ્તારમાં રહેવા માગતા નથી. આ ઘટના બાદ અમે અસુરક્ષિતતા અનુભવી રહ્યાં છે અને સિક્યુરિટી ગાર્ડ તહેનાત કરવા વિચારી રહ્યાં છીએ.


