લંડનઃ કેન્ટ યુનિવર્સિટી ખાતે ફાટી નીકળેલા મેનિન્જાઇટિસના રોગચાળાના કારણે બે યુવાના મોત થયાં છે અને 11 અન્ય ગંભીર બીમારીમાં સપડાયાં છે. મૃતક યુવાઓના નામ જાહેર કરાયાં નથી પરંતુ તેમની ઉંમર 17 અને 21 વર્ષ હોવાનું કહેવાય છે. તેમાંથી એક કેન્ટ યુનિવર્સિટીનો વિદ્યાર્થી હતો જ્યારે બીજો નજીકમાં આવેલી ક્વીન એલિઝાબેથ ગ્રામર સ્કૂલનો વિદ્યાર્થી હતો. યુકેની હેલ્થ સિક્યુરિટી એજન્સીએ 30,000 કરતાં વધુ વિદ્યાર્થી અને સ્ટાફ કર્મચારીઓને રોગના લક્ષણ દેખાય તો સાવધ રહેવાની ચેતવણી જારી કરી છે. આ રોગચાળો કેન્ટરબરીમાં આયોજિત એક સામાજિક કાર્યક્રમ બાદ ફેલાયો હોવાનું માનવામાં આવે છે. અસરગ્રસ્તો પૈકીના કેટલાંકે તેમાં હાજરી આપી હતી. એજન્સી કેન્ટરબરી વિસ્તારમાં વિદ્યાર્થીઓ માટે એન્ટી બાયોટિકની વ્યવસ્થા કરી રહી છે.

