કેન્સર નિવારણમાં પસર્નલ વેક્સિનના પ્રયોગો સફળ, હજારો દર્દીઓને મળશે નવજીવન

વેક્સિનની ટ્રાયલમાં દર્દીઓ લાંબાસમયથી કેન્સરમુક્ત રહ્યા

Tuesday 25th August 2026 10:41 EDT
 
 

લંડનઃ દરેક દર્દી માટે વિશેષરૂપે તૈયાર કરવામાં આવતી કેન્સર વેક્સિનના અંતિમ તબક્કાના ક્લિનિકલ ટ્રાયલમાં મોટી સફળતા મળી છે. આ સફળતાથી આગામી સમયમાં ટેલર-મેડ સારવારની એક નવી ક્રાંતિ શરૂ થવાની અને હજારો દર્દીઓને તેનો લાભ મળવાની આશા જાગી છે.

મોડર્ના અને મર્ક કંપની દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલી આ પ્રાયોગિક વેક્સિન ચામડીના ગંભીર કેન્સરના દર્દીઓ પર સર્જરી બાદ અજમાવવામાં આવી હતી. કંપનીઓના જણાવ્યા અનુસાર, સંયુક્ત સારવારથી દર્દીઓ લાંબા સમય સુધી કેન્સરમુક્ત રહ્યા હતા અને શરીરમાં અન્ય અંગો સુધી કેન્સર ફેલાવાનું જોખમ પણ નોંધપાત્ર રીતે ઘટ્યું હતું.

આ વેક્સિનમાં કોવિડ-19 વેક્સિનમાં વપરાયેલી એમRNA ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દર્દીની સર્જરી બાદ તેના ટ્યુમરના સેમ્પલનું વિશ્લેષણ કરી કેન્સર કોષોના મ્યુટેશનને ઓળખવામાં આવે છે અને તે મુજબ માત્ર તે દર્દી માટે જ વેક્સિન તૈયાર કરવામાં આવે છે. આ વેક્સિન શરીરની રોગપ્રતિકારક શક્તિને બાકી રહેલા કેન્સર કોષોને ઓળખીને તેનો નાશ કરવાની તાલીમ આપે છે.

નિષ્ણાતોના મતે, આ પરિણામો કેન્સર સંશોધન ક્ષેત્રે એક ઐતિહાસિક મોડ સાબિત થશે. નિયમનકારી મંજૂરીઓ મળ્યા બાદ આ ક્રાંતિકારી સારવાર આગામી વર્ષોમાં દર્દીઓ માટે ઉપલબ્ધ થઈ શકે છે. માત્ર ચામડીનું કેન્સર જ નહીં, પરંતુ ફેફસાં, મૂત્રાશય અને કિડનીના કેન્સર માટે પણ આ પ્રકારની વ્યક્તિગત વેક્સિનના પ્રયોગો ચાલી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter