કેન્સર નિષ્ણાત શમીર ચંદ્રન પર યુકેમાં પ્રેકટિસ કરવા પર પ્રતિબંધ

ચંદ્રનને બેદરકારી અને ક્રુરતાના આરોપસર જેલની સજા કરાઇ હતી, હાલ ફરાર

Tuesday 26th May 2026 11:18 EDT
 
 

લંડનઃ યુકેની મેડિકલ ટ્રિબ્યુનલે ભારતીય મૂળના કેન્સર નિષ્ણાત શમીર ચંદ્રનને દોષિત જાહેર કર્યા બાદ મેડિકલ રજિસ્ટરમાંથી તેમનું નામ હટાવી દીધું છે. ટ્રિબ્યુનલના ચુકાદા અનુસાર આ ડૉક્ટર ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ હોવાથી જનતા માટે જોખમી સાબિત થઈ શકે તેમ છે. આ આકરા નિર્ણયનો અર્થ એ થાય છે કે તેઓ હવે યુકેમાં ક્યારેય તબીબી સેવાઓ આપી શકશે નહીં.

ન્યૂકેસલની હોસ્પિટલમાં ફરજ બજાવી ચૂકેલા ઓન્કોલોજિસ્ટ શમીર ચંદ્રનને નવેમ્બર મહિનામાં બેદરકારી અને ક્રુર વર્તણૂકના બે મામલામાં અને 16 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ પ્રત્યે ક્રૂરતા આચરવાના એક મામલામાં ચાર વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. મેડિકલ પ્રેક્ટિસનર્સ ટ્રિબ્યુનલ સર્વિસે હવે તબીબી રજિસ્ટરમાંથી તેમનું નામ કાયમી ધોરણે રદ કરવાનો આદેશ આપ્યો છે.

અહેવાલો અનુસાર, ચંદ્રન તેમની ફોજદારી ટ્રાયલ અથવા તો શિસ્તભંગની કાર્યવાહી દરમિયાન ગેરહાજર રહ્યા હતા. તેઓ યુકે છોડીને ભાગી ગયા હોવાનું સામે આવ્યું છે અને હાલ તેમની સામે ધરપકડનું વોરંટ પણ જાહેર કરાયેલું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter