કેન્સર મટાડવાના નામે લસણના તેલના ઇન્જેક્શન આપનાર ડોક્ટર બરતરફ

ડો. મોહસિન અલી સારવારના નામે તગડી ફીની વસૂલાત કરતા હતા

Tuesday 05th May 2026 11:28 EDT
 
 

લંડનઃ લંડનમાં કેન્સર મટાડવાના ખોટા દાવા કરી દર્દીઓ સાથે છેતરપિંડી કરનાર ડોક્ટર મોહસિન અલીને મેડિકલ રજિસ્ટરમાંથી કાયમી ધોરણે બરતરફ કરવામાં આવ્યા છે. આ ડોક્ટર પોતાના કાઉન્સિલ હાઉસના એક ગંદા રૂમમાં ગેરકાયદે ક્લિનિક ચલાવતા હતા અને દર્દીઓને સારવારના નામે લસણના તેલના ઇન્જેક્શન આપતા હતા.

ટ્રિબ્યુનલની તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ ડોક્ટર મોહસિન અલીની કાર્યપદ્ધતિ તબીબી જગત માટે શરમજનક અને અનૈતિક હતી. તેમણે ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓને સાજા કરવાની ખોટી આશા આપી તેમની પાસેથી તગડી ફી વસૂલી હતી. એક દર્દી પાસેથી તેમણે 15,000 પાઉન્ડ જેવી મોટી રકમ લીધી હોવાનું સામે આવ્યું છે.

આ ડોક્ટરે દાવો કર્યો હતો કે તેમની સારવાર પદ્ધતિથી 90 ટકા દર્દીઓ સાજા થઈ જાય છે. તેમણે દર્દીઓને સરકારી આરોગ્ય સેવાઓ અને હોસ્પિટલો વિરુદ્ધ ભડકાવ્યા હતા, જેથી દર્દીઓ તેમની પાસે સારવાર કરાવવા મજબૂર બને.

મેડિકલ ટ્રિબ્યુનલે આ મામલે કડક વલણ અપનાવતા જણાવ્યું કે ડો. અલીએ ડોક્ટર તરીકેના તમામ નૈતિક મૂલ્યોનું ઉલ્લંઘન કર્યું છે. અસહાય દર્દીઓની મજબૂરીનો લાભ લેવો એ ગંભીર અપરાધ છે. પરિણામે, તેમને તબીબી વ્યવસાય કરવા માટે કાયમી ધોરણે અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter