કેન્સરથી પીડાતી 82 વર્ષીય માતાને છેલ્લી ક્ષણોમાં બ્રિટનમાં સંતાનો પાસે આવવાની મંજૂરી ન અપાઇ

ઇમિગ્રેશન જજના ચુકાદા સામે લડી લેવા ભારતીય પરિવારનો નિર્ધાર

Wednesday 20th July 2022 06:55 EDT
 
 

લંડન

ભારતમાં ગંભીર રીતે બિમાર માતાને તેના અંતિમ દિવસોમાં પોતાની પાસે બ્રિટનમાં લાવીને રાખવાની પરિવારની માગ ફગાવી દેવાતા પરિવારમાં ભારે નારાજગી પ્રવર્તી રહી છે. ઇમિગ્રેશન જજે માતાને વિઝા નકારી કાઢવાના હોમ ઓફિસના નિર્ણયને પડકારતી અરજી નકારી કાઢતા પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે. જોકે કોર્નવોલમાં એમ્બ્યુલન્સ ડ્રાઇવર તરીકે કામ કરતી એના જેકશન અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા રોહિત રાહીએ ઇમિગ્રેશન જજના આ ચુકાદા સામે અપીલમાં જવાનો નિર્ણય કર્યો છે.

એના જેક્શન અને રોહિત રાહીની 82 વર્ષીય માતા નીલમ રાહી ઉત્તર ભારતના ચંદીગઢમાં વસવાટ કરે છે. તેઓ ઓવેરિયન કેન્સરથી પીડાય છે. તેમના અન્ય બે બાળકો તેમનાથી અઢી કલાકના અંતરે રહે છે અને તેઓ પોતે પણ અલગ અલગ બિમારીથી પીડાય છે. એના જેકશન અને રોહિત રાહીએ તેમની માતા વતી એડલ્ડ ડિપેન્ડન્ટ રિલેટિવ વિઝા માટે કરેલી અરજીને હોમ ઓફિસે નકારી કાઢી હતી . છેલ્લા એક દાયકાથી હોમ ઓફિસ દ્વારા આ પ્રકારના વિઝા અશક્ય બનાવી દેવાયા છે. તેથી એના અને રાહીએ હોમ ઓફિસના નિર્ણયને કોર્ટમાં પડકાર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે હાલ અમારી માતાની કાળજી ઘરકામ કરનાર બાઇ લે છે પરંતુ તેમની પાસે પોતાનું કહેવાય તેવું કોઇ નથી. તેમને હોસ્પિટલ પણ જાતે જવુ પડે છે. ભારતમાં સારા કાળજી લેનાર મેળવવા મુશ્કેલ છે અને મારી માતાની કાળજી લે તેવા કેર હોમની સંખ્યા પણ બહુ ઓછી છે. માનવ અધિકાર કાયદા અંતર્ગત પારિવારિક જીવનના અપાયેલા અધિકારથી અમને વંચિત રાખવામાં આવી રહ્યાં છે. પરંતુ હોમ ઓફિસના વકીલે દલીલ કરી હતી કે પરિવાર માટે બલિદાન આપવા પડે છે. એના જેક્શન ભારત જઇને તેમની માતાની કાળજી લેવા માટે નોકરી છોડી શકે છે અને તેમના ભાઇ રોહિત નિયમિત રીતે તેમની માતાની ભારતમાં મુલાકાત લઇ શકે છે.

પરિવારની અપીલ રદ કરી નાખતા ઇમિગ્રેશન જજ બેગે જણાવ્યું હતું કે, અરજકર્તા અને તેના પુખ્ત સંતાનો ટેલિફોન, વીડિયો કોલ અને મુલાકાતો દ્વારા પારિવારિક જીવન જીવી શકે છે. અરજકર્તા માતાના પુખ્ત સંતાનો નિયમિત રીતે તેમની સાથે સંપર્કમાં રહીને માનસિક સપોર્ટ આપી શકે છે. અરજકર્તાને ભારતમાં મેડિકલ સારવાર સારી રીતે મળી રહી છે. તેમની રોજિંદી જરૂરીયાતોની કાળજી કેર ટેકર નિયુક્ત કરીને લઇ શકાય તેમ છે. અરજકર્તાને તેમના પુત્ર દ્વારા આર્થિક સહાય મળતી રહે છે.

એના જેકશને જણાવ્યું હતું કે, આ ચુકાદાથી અમારો પરિવાર ઘણો હતાશ થયો છે. હા ભારતમાં કેર ટેકર મળી રહે છે પરંતુ તેઓ મેડિકલના જાણકાર હોતા નથી અને દર્દીની સારવાર કે કાળજી લેવા માટે તાલીમબદ્ધ હોતા નથી.અમારી માતાની તબિયત ગંભીર છે અને તે હજુ પણ ગંભીર બને તેવી સંભાવના છે. અમે તેમને કેર ટેકરના આશ્રયે છોડી શકીએ તેમ નથી. અમારી માતા તેના જીવનની છેલ્લી ક્ષણોમાં અમારી સાથે હોય તેવા અમારા માનવ અધિકારનું શું?  


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter