લંડન
કેન્સરથી પીડાતી ક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થિનીને તેનો અભ્યાસક્રમ લંબાવવાની પરવાનગી નહીં આપીને તેને હતાશામાં ધકેલી દેનારી વોરવિક યુનિવર્સિટી નુકસાન પેટે 12000 પાઉન્ડનું વળતર ચૂકવવા સંમત થિ છે. યુનિવર્સિટી ખાતે ફિલ્મ એન્ડ ટેલિવિઝન સ્ટડીઝમાં અનુસ્નાતક સ્તરના અભ્યાસક્રમમાં જોડાયેલી રિહામ શેબલેને ફેબ્રુઆરી 2021માં યુટરિન સાર્કોમા નામનું અત્યંત ગંભીર કેન્સર થયું હોવાનું નિદાન કરાયું હતું.
તેને વળતર ચૂકવવા અને અભ્યાસક્રમનો સમય લંબાવી આપવા માટે યુનિસ રેઝિસ્ટ બોર્ડર કન્ટ્રોલ તથા વોરવિક યુનિવર્સિટી એન્ડ કોલેજ યુનિયન દ્વારા લડત ચલાવ્યા બાદ યુનિવર્સિટી રિહામને 12000 પાઉન્ડનું વળતર આપવા અને તેના અભ્યાસનો કાર્યકાળ લંબાવી આપવા સંમત થઇ હતી.
યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે, રિહામે એપ્રિલ 2022માં તેના અભ્યાસનો સમયગાળો લંબાવી આપવા માટે અરજી કરી હતી પરંતુ તેના કેન્સરને કારણે વિકલાંગતા આવી હોવાના પૂરતા પુરાવા રજૂ કરી શકી નહોતી. 7 મહિના લાંબી લડત બાદ યુનિવર્સિટી તેની માગણીઓ સ્વીકારવા સંમત થઇ હતી.
મૂળ ઇજિપ્તની એવી રિહામે યુનિવર્સિટી સાથે થયેલા સમાધાનને આવકાર્યું છે. તેણે જણાવ્યું હતું કે, મારો અભ્યાસક્રમ લંબાવી નહીં આપવાનો યુનિવર્સિટીનો પ્રારંભિક નિર્ણય બિનજરૂરી હતો. જ્યારે હું મોત સામે લડી રહી હતી ત્યારે જ મારા પર આ એક નવું યુદ્ધ થોપી દેવાયું હતું. તે માટે મારે મહિનાઓ સુધી લડત આપવી પડી હતી.


