કેન્સરના દર્દીઓની સારવાર માટે 2 બિલિયન પાઉન્ડની યોજના

યુકેમાં દર 75 સેકન્ડે કેન્સરના એક દર્દીનું નિદાન થાય છે, આગામી 10 વર્ષમાં સરકાર 3,20,000 જિંદગી બચાવવા પ્રતિબદ્ધ

Tuesday 10th February 2026 09:20 EST
 
 

લંડનઃ કેન્સરના દર્દીઓની સારવાર સફળ બનાવવાની સરકારની યોજના અંતર્ગત ઇંગ્લેન્ડમાં દર ચારમાંથી 3 દર્દી કેન્સરમાંથી સાજાપણું પ્રાપ્ત કરી શકશે. યુકેમાં દર 75 સેકન્ડે કેન્સરના એક દર્દીનું અથવા તો રોજના 1200 દર્દીને કેન્સર હોવાનું નિદાન થાય છે. યુકેમાં કેન્સર સૌથી મોટો કીલર રોગ છે. યુકેમાં થતા દર ચારમાંથી એક મોત કેન્સરના કારણે થાય છે. અન્ય યુરોપિયન દેશોની સરખામણીમાં કેન્સરમાંથી સાજાપણાનો દર પણ ઘણો ઓછો છે. એનએચએસની 75 ટકા હોસ્પિટલ કેન્સરની સારવારમાં નિષ્ફળ જઇ રહી છે તેવા સંજોગોમાં સ્ટાર્મર સરકારે કેન્સરની સારવાર માટે નવી યોજનાની જાહેરાત કરી છે.

સરકારની નવી યોજના અંતર્ગત કેન્સરની સારવાર સુધારવા માટે બે બિલિયન પાઉન્ડની ફાળવણી કરાશે. સરકારે કેન્સરનું નિદાન અને સારવાર ઝડપી બનાવવાનું વચન આપ્યું છે.

સરકાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ 2035 સુધીમાં કેન્સરના 75 ટકા દર્દી સાજા થશે અથવા તો સારી જિંદગી જીવતા હશે. કેન્સરનું નિદાન થયાના પાંચ વર્ષમાં જ દર્દી સામાન્ય જિંદગી જીવતા થઇ જશે. હાલના દર પ્રમાણે દર 10માંથી 6 દર્દી કેન્સરના નિદાન બાદ પાંચ વર્ષ કરતાં વધુ જીવે છે.

હેલ્થ ડિપાર્ટમેન્ટનો દાવો છે કે આગામી 10 વર્ષમાં આ યોજના અંતર્ગત 3,20,000 જિંદગી બચાવી શકાશે. યોજનાની જાહેરાત કરતા હેલ્થ સેક્રેટરી વેસ સ્ટ્રીટિંગે જણાવ્યું હતું કે, વર્ષ 2021માં મને 38 વર્ષની વયે કિડનીના કેન્સરનું નિદાન થયું હતું. મને નવી જિંદગી આપવામાં એનએચએસનો મોટો ફાળો છે. હું ઇચ્છું છું કે કેન્સરના દર્દીઓને તેવી જ સારવાર ઉપલબ્ધ બને. હું દેશમાં કેન્સરની સારવારને જ બદલી નાખવા માગુ છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter