લંડનઃ મેસેન્જર આરએનએ (mRNA) થેરાપી તરીકે ઓળખાતી કેન્સરની નવી ક્રાંતિકારી સારવારનો પ્રયોગ ઇંગ્લેન્ડમાં શરૂ કરાયો છે. વેસ્ટ લંડનની હેમરસ્મિથ હોસ્પિટલ ખાતે કેન્સરના દર્દીઓને આ નવી સારવારનો પ્રારંભ કરાયો છે જેથી થેરાપીની સુરક્ષિતતા અને મેલાનોમા, લન્ગ કેન્સર તથા અન્ય સોલિડ ટ્યુમર્સ પર તેની અસરકારકતાનું મૂલ્યાંકન કરી શકાય.
નવી સારવાર પદ્ધતિમાં મેસેન્જર આરએનએ અથવા તો mRNA તરીકે ઓળખાતા જિનેટિક મટિરિયલનો ઉપયોગ કરાય છે. તે દર્દીની ઇમ્યુન સિસ્ટમમાં ટ્યુમરમાંથી કોમન માર્કર્સ રજૂ કરીને કામ કરે છે. તેનો લક્ષ્યાંક આ માર્કર્સને પ્રતિભાવ આપનારા કેન્સર સેલની ઓળખ કરી તેની સામે લડવાનો છે.
ઇમ્પિરિયલ કોલેજ, લંડનના ડો. ડેવિડ પિનાતોએ જણાવ્યું હતું કે, નવી ઇમ્યુનોથેરાપી દર્દીની ઇમ્યુન સિસ્ટમને જ કેન્સર સામે લડવા તૈયાર કરે છે. હાલમં આ સંશોધન પ્રારંભિક તબક્કામાં છે અને દર્દીઓને ઉપલબ્ધ થવામાં વર્ષો લાગી શકે છે.

