કેન્સરની સારવારમાં એનએચએસનું ક્રાંતિકારી કદમ

કલાકોની સારવાર એક જ ઇન્જેક્શન દ્વારા થોડી મિનિટમાં પૂરી થશે

Tuesday 05th May 2026 11:34 EDT
 
 

લંડન: નેશનલ હેલ્થ સર્વિસ દ્વારા કેન્સરના હજારો દર્દીઓ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. અત્યાર સુધી જે સારવાર માટે દર્દીઓને હોસ્પિટલમાં કલાકો પસાર કરવા પડતા હતા, તે હવે માત્ર થોડી મિનિટોમાં પૂર્ણ થઇ શક્શે. કેન્સરની અત્યંત અસરકારક ગવા કીટ્રુડા હવે ઇન્જેક્શન સ્વરૂપે ઉપલબ્ધ બની છે જેનાથી સારવારની પ્રક્રિયામાં મોટો સમય બચશે.

વર્ષ 2015થી અત્યાર સુધી 'કીટ્રુડા' દવા દર્દીઓને આઇવી ડ્રીપ દ્વારા આપવામાં આવતી હતી, જેમાં સામાન્ય રીતે એક કલાક કે તેથી વધુ સમય લાગતો હતો. જોકે NHS ઇંગ્લેન્ડના જણાવ્યા અનુસાર આ નવા ઈન્જેક્શન દ્વારા હવે આ પ્રક્રિયા માત્ર એક થી બે મિનિટમાં પૂર્ણ કરી શકાશે. આ ફેરફારને કારણે માત્ર દર્દીઓનો સમય જ નહીં બચે, પરંતુ હોસ્પિટલના સ્ટાફ પરનું ભારણ પણ ઘટશે અને અન્ય દર્દીઓને ઝડપથી સારવાર મળી શકશે.

કીટ્રુડા એક પ્રકારની ઈમ્યુનોથેરાપી છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિને કેન્સરના કોષોને ઓળખવામાં અને તેના પર હુમલો કરવામાં મદદ કરે છે. હાલ ફેફસાં, ગરદન, ગર્ભાશય અને સ્તન કેન્સર સહિત 14 પ્રકારના કેન્સરની સારવારમાં આ દવાનો ઉપયોગ થાય છે.

કેન્સર વિભાગના નેશનલ ક્લિનિકલ ડાયરેક્ટર પ્રોફેસર પીટર જોન્સને જણાવ્યું હતું કે, વારંવાર હોસ્પિટલના ધક્કા ખાવા દર્દીઓ માટે થકવી દેનારા હોય છે. જો આપણે સારવારનો સમય ઘટાડી શકીએ તો કીમોથેરાપી યુનિટમાં જગ્યા ખાલી થશે અને ભવિષ્યમાં અમે આ સારવાર હોસ્પિટલને બદલે સ્થાનિક ક્લિનિક્સમાં પણ આપી શકીશું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter