કેન્સરને પ્રાથમિક તબક્કે ઓળખવા વિશ્વની સૌથી મોટી બ્લડ ટેસ્ટ્સ ટ્રાયલ

શેફાલી સક્સેના Wednesday 15th September 2021 06:35 EDT
 
 

લંડનઃ નેશનલ હેલ્થ સર્વિસ-NHS દ્વારા કેન્સરને શરૂઆતના તબક્કામાં જ ઓળખવાના હેતુસર વિશ્વમાં સૌથી મોટા ગેલેરી બ્લડ ટેસ્ટ્સ- રક્ત પરીક્ષણો હાથ ધરાયા છે. દેશમાં ૮ સ્થળોએ કરાઈ રહેલી આ ટ્રાયલમાં ૧૪૦૦૦૦ વોલેન્ટિયર્સને સામેલ કરાયા છે. ટ્રાયલનું પરિણામ ૨૦૨૩ સુધીમાં આવવાની આશા છે એને જો તેમાં સફળતા પ્રાપ્ત થશે તો કેન્સરના લક્ષણો બહાર આવે તે પહેલા જ લોકોમાં ૫૦ પ્રકારના કેન્સરને શરૂઆતમાં જ ઓળખી શકાશે. ટ્રાયલ આશા પર ખરી ઉતરશે તો ૨૦૨૪ અને ૨૦૨૫માં એક મિલિયન લોકો પર ટેસ્ટ કરવામાં આવશે.

બ્રિટનમાં કેન્સરને શોધવા માટે દુનિયાની સૌથી મોટી બ્લડ ટેસ્ટ ટ્રાયલ શરૂ કરાઈ છે. NHS અને હેલ્થકેર કંપની ગ્રેઈલ સંયુક્તપણે આ ગેલેરી બ્લડ ટેસ્ટ્સ ટ્રાયલ કરી રહી છે. તેમની સાથોસાથ ધ કેન્સર રિસર્ચ યુકે અને કિંગ્સ કોલેજ લંડનના કેન્સર પ્રીવેન્શન ટ્રાયલ્સ યુનિટ દ્વારા પણ રેન્ડમાઈઝ્ડ કન્ટ્રોલ ટ્રાયલ હાથ ધરવામાં આવશે. NHS દ્વારા ગયા વર્ષે નવેમ્બરમાં આ ટ્રાયલની જાહેરાત કરવામાં આવી હતી.

ગેલરી બ્લડ ટેસ્ટ દર્દીના ટ્યુમર્સમાંથી લોહીમાં ફેંકાતા જિનેટિક કોડ-સેલ-ફ્રી ડીઓક્સિરીબોન્યક્લિયક એસિડ (cfDNA)ના અંશો-ટુકડા ચકાસવા થાય છે. આ સરળ બ્લડ ટેસ્ટ લોહીમાં કેન્સરની પ્રાથમિક નિશાનીઓ પારખી શકે છે. કેન્સરની શરૂઆતના તબક્કામાં સારવાર કરવાથી પેશન્ટ્સના બચવાની સંભાવના વધી જાય છે. અત્યાર સુધીના સંશોધન મુજબ મસ્તક અને ગરદન, આંતરડા, ફેફસાં, પેન્ક્રિયાટિક અને ગળાના કેન્સરને પ્રાથમિક અવસ્થામાં ઓળખવા મુશ્કેલ હોય છે પરંતુ, આ ટેસ્ટ આવા કેન્સરને શોધવામાં અસરકારક જણાયા છે.

આ પ્રકારના પ્રથમ અભ્યાસમાં NHS-Galleri સમગ્ર ઈંગ્લેન્ડના આઠ સ્થળોએ ૧૪૦,૦૦૦ વોલન્ટીઅર્સને એનરોલ કરશે અને ટેસ્ટ્સની ક્ષમતાના આધારે NHS તેને ઉપયોગમાં લઈ શકશે. રીટેઈલ પાર્ક્સમાં મોબાઈલ ટેસ્ટિંગ ક્લિનિક્સ ખાતે તેમની પાસેથી બ્લડ સેમ્પલ મેળવાશે. આ ટ્રાયલમાં ભાગ લેનારા માટે મુખ્ય શરત એ છે કે તેમને ગત ત્રણ વર્ષમાં કેન્સરનું નિદાન થયેલું ન હોવું જોઈએ.

યુકેમાં દરરોજ કેન્સરના ૧૦૦૦ કેસ

યુકેમાં કેન્સરના વાર્ષિક ૩૬૦,૦૦૦ કેસ સામે આવે છે. કેન્સરથી થનારા મૃત્યુનું સૌથી સામાન્ય કારણ ફેફસાંનું કેન્સર છે જે આ રોગનો લગભગ પાંચમો હિસ્સો છે. NHSના કહેવા મુજબ યુકેમાં કેન્સરથી થનારા મૃત્યુમાં ફેફસાં, આંતરડા અને પ્રોસ્ટેટ કેન્સરનો ૪૫ ટકા હિસ્સો છે. બીજી તરફ, અમેરિકામાં ૫૦થી વધુ વયના લોકોને કેન્સરનો સૌથી વધુ ખતરો રહે છે. આ વર્ગને કહેવાયું છે કે તે નિયમિત રીતે તેમની તપાસ કરાવતા રહે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter