લંડન: જનરલ ફિઝિશિયન (GP) તરીકે પ્રેક્ટિસ ભારતીય મૂળના ૫૦ વર્ષીય ડોક્ટર મનીષ શાહ સામે ૨૫ મહિલાના યૌનશોષણનો આરોપ સાબિત થયો છે. ઈસ્ટ લંડનના રોમફોર્ડની મોને મેડિકલ સેન્ટર ખાતે ડો. મનીષ પોતાના જાતીય આનંદ માટે તેની પાસે સારવાર માટે આવતી મહિલાઓને કેન્સર વિશે ડરામણી વાતો કરી તેમના સ્તન અને યોનિની અનાવશ્યક તપાસ માટે મનાવી લેતો હતો. આ માટે તે હોલિવૂડની સ્ટાર એન્જેલિના જોલી અને જેડ ગૂડીને સ્તન કેન્સર થયાના સમાચાર ઉપયોગમાં લેતો હતો. આ ગુનામાં લંડનની ઓલ્ડ બેઈલી કોર્ટે તેને તમામ ૨૫ કેસમાં દોષિત ઠેરવ્યો છે. જજ એન મોલીનક્સે તેને તમામ ગુનાની સજા સાત ફેબ્રુઆરીએ સંભળાવાની જાહેરાત કરી હતી.
ઓલ્ડ બેઈલી કોર્ટમાં સુનાવણી દરમિયાન ડોક્ટર શાહને જૂન ૨૦૦૯થી જુલાઈ ૨૦૧૩ના ગાળામાં છ મહિલા સામે જાતીય હુમલાના ૨૫ ગુના બદલ દોષિત ઠરાવાયો હતો. તેને અગાઉ ૧૭ મહિલાના યૌનશોષણ બદલ પણ દોષિત ઠરાવાયો હતો. તેણે ૧૧ વર્ષ જેટલી નાની કિશોરીઓને પણ કેન્સર સંબંધિત આવી ડરામણી વાતો કરી તેમનો ગેરલાભ લીધો હતો. તે સારવાર માટે આવેલી મહિલા કે યુવતીને કહેતો હતો કે એન્જેલિના જોલીને સ્તન કેન્સર થયું હતું તેથી તમારે પણ વહેલી તકે બ્રેસ્ટ ચેકઅપ કરાવી લેવું જોઈએ. આવી તપાસ દરમિયાન તેણે અનેક મહિલાઓનો અયોગ્યપણે સ્પર્શ કર્યો હતો. કેટલીક મહિલાઓ દ્વારા ૨૦૧૩માં ફરિયાદ કરાયા પછી તેને સસ્પેન્ડ કરી દેવાયો હતો. એ પછી તેની સામે પોલીસ તપાસ શરૂ થઈ હતી. જોકે, ડોક્ટર મનીષે તેની સામેના આરોપ ફગાવી દીધા હતા.
મનીષ શાહે ખામીપૂર્ણ સ્ક્રીનિંગ પ્રોસેસના દોષનો ટોપલો પર ઢોળ્યો હતો. તેણે કહ્યું હતું કે તેના સાસુ નિદાન થયા વિનાના સ્તન કેન્સરના કારણે મોતનો શિકાર બન્યાં હોવાથી તેણે આવી તપાસ હાથ ધરી હતી. જ્યૂરીએ ૨૬ કલાકની લાંબી ચર્ચાવિચારણાના અંતે બહુમતી ચુકાદામાં મનીષને દોષી ઠરાવ્યો હતો. પ્રોસીક્યુટર કેટ બેક્સ QC એ જ્યૂરીને જણાવ્યું હતું કે યુવાન વય અથવા પરિવારમાં કેન્સરનો ઈતિહાસ હોવાથી મહિલાઓગભરાઈને શારીરિક તપાસ માટે ડોક્ટરની સલાહ માની લેતી હતી. આવી તપાસમાં અન્ય વ્યક્તિને હાજર રાખવાની ગાઈડલાઈન્સનો પણ તેણે ભંગ કર્યો હતો.


