લંડન
કુમ્બ્રિયાના ક્લીટર મૂર વિલેજના મેરેથોન મેન ગેરી મેક્કીએ વર્ષ 2022ના તમામ દિવસે દોડ લગાવીને 15,000 કિમીનું અંતર કાપી કેન્સર સપોર્ટ માટે 10 લાખ પાઉન્ડ કરતાં વધુની રકમ એકઠી કરી છે. ગેરી મેક્કીએ આ દાનની રકમ મેકમિલન કેન્સર સપોર્ટ અને વેસ્ટ કુમ્બ્રિયા હોસ્પાઇસ એટ હોમને વહેંચી આપી છે.
ગેરી મેક્કીએ દરરોજ 42 કિલોમીટર દોડ લગાવી હતી. તેઓ આ દોડ પૂરી થયા બાદ સેલાફિલ્ડ ન્યુક્લિયર સાઇટ ખાતે નોકરી પર હાજર થઇ જતા હતા. 2022ના છેલ્લા દિવસે 42 કિલોમીટર દોડીને ગેરીએ તેમના આ અભિયાનને સમાપ્ત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, મેં સખાવતી સંસ્થાઓને સહાય માટે 1 મિલિયન પાઉન્ડની રકમ એકઠી કરી છે.
ગેરી મેક્કીએ આખું વર્ષ દોડ લગાવવા દરમિયાન 20થી વધુ જોડી જૂતા બદલ્યાં હતાં અને કુલ 15,300 કિલોમીટર દોડ્યાં હતાં.


