આર્ટિકલ ૫૦ રદ થાય અને નો-ડીલને ટાળવાના હેતુસર ગુરુવારે સવારે ૧૧ વાગ્યા સુધીમાં બે મિલિયનથી વધુ લોકોએ બ્રેક્ઝિટ કેન્સલ કરવાની પિટિશન પર સહીઓ કરી હતી, જે વધીને ૫,૫૮૧,૫૪૫થી પણ વધુ સંખ્યાએ પહોંચી છે અને હજુ તેમાં વધારો થઈ રહ્યો છે. પાર્લામેન્ટના ઈતિહાસમાં આ સૌથી મોટી પિટિશન બની છે. આ પિટિશનમાં સહી કરનારામાં સેલેબ્રિટી રીમેઈનર્સ અભિનેતા હ્યૂજ ગ્રાન્ટ, ટીવી સાયન્ટિસ્ટ બ્રાયન કોક્સ, અભિનેત્રી જેનિફર સૌન્ડર્સ અને ગાયિકા એની લેનોક્સનો પણ સમાવેશ થાય છે. રીમેઈનર માર્ગારેટ એન જ્યાર્જિઆડુ દ્વારા આરંભ કરાયેલી આ પિટિશન પર સહી કરવા એટલો ધસારો થયો હતો કે બેથી ત્રણ વખત વેબસાઈટ ક્રેશ થઈ ગઈ હતી.
ગત સોમવારે વેબસાઈટ ઉભી કરાયાની ગણતરીની મિનિટોમાં ૧૦,૦૦૦ નામ તેની પર આવી ગયા હતા. સરકારે કાયદા અનુસાર આ પિટિશન પર લેખિત ઉત્તર વાળવાનો હોય છે પરંતુ, પાર્લામેન્ટમાં તેના પર ચર્ચા માટેનો નિર્ણય બ્રેક્ઝિટ તારીખ ૨૯ માર્ચ પહેલા લેવાય તેવી શક્યતા નથી.
બ્રિટનમાં બ્રેક્ઝિટવિરોધી વલણ વધી રહ્યું હોવાના પ્રશ્નના ઉત્તરમાં થેરેસા મેએ જણાવ્યું હતું કે યુકેએ સૌથી મોટી લોકશાહીવાદી કવાયતમાં ઈયુ છોડવાનો નિર્ણય લઈ જ લીધો છે. જોકે, લિબ ડેમ સાંસદ લયલા મોરાને જણાવ્યું હતું કે આ પિટિશન વધુ એક બ્રેક્ઝિટ રેફરન્ડમના અભિયાનને બળ પુરું પાડશે.
વડા પ્રધાન થેરેસા મેએ નો-ડીલ બ્રેક્ઝિટ શક્યતાનો સ્પષ્ટ ઈનકાર કર્યો નથી અને સમજૂતી સાથે જ ઈયુમાંથી બહાર નીકળવાની તૈયારી દર્શાવી છે. આ પિટિશન પર વડા પ્રધાન મેનાં અભિપ્રાયની પૃચ્છા થતાં ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટની પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેઓ સમર્થન નહિ આપે. રેફરન્ડમના પરિણામને કાર્યાન્વિત કરવાની નિષ્ફળતા આપણી લોકશાહીની નિષ્ફળતા ગણાશે અને જેને તેઓ સમર્થન આપી ન શકે.


