લંડનઃ હોરાઇઝન આઇટી સ્કેન્ડલનો ભોગ બનેલા સબપોસ્ટમાસ્ટરોને ન્યાય મળ્યો છે પરંતુ તે અગાઉની કેપ્ચર સિસ્ટમમાં રહેલી ખામીઓનો ભોગ બનેલા પોસ્ટ માસ્ટરો હજુ ન્યાય માટે વલખાં મારી રહ્યાં છે ત્યારે આશાના કિરણ સમાન ક્રિમિનલ કેસ રીવ્યૂ કમિશને 1998માં દોષી ઠરેલા સબ પોસ્ટ મિસ્ટ્રેસ પેટ્રિસિયા ઓવેન્સનો કેસ કોર્ટ ઓફ અપીલને મોકલી આપવાનો નિર્ણય લીધો છે. કેપ્ચર કૌભાંડમાં આ પહેલો કેસ છે જેને કોર્ટ ઓફ અપીલમાં મોકલવામાં આવી રહ્યો છે.
હોરાઇઝન પોસ્ટ ઓફિસ સ્કેન્ડલ બહાર આવ્યું તે પહેલાં 1992થી 1999ની વચ્ચે પોસ્ટ ફિસની 2500 બ્રાન્ચમાં કેપ્ચર આઇટી સોફ્ટવેરનો ઉપયોગ થતો હતો. આ સોફ્ટવેર પણ ખામીયુક્ત હોવાથી ઘણા સબ પોસ્ટમાસ્ટરને ખોટી રીતે ગેરરિતી માટે દોષી ઠેરવાયાં હતાં. પેટ્રિસિયા સતત બચાવ કરતાં રહ્યાં હતાં કે તેઓ નિર્દોષ છે. 2003માં ક્રિમિનલ રેકોર્ડ સાથે જ તેમનું નિધન થયું હતું.
ઓવેનના કેસમાં કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ થયો હોવાના આધારે કોર્ટ ઓફ અપીલને સોંપવાનો નિર્ણય લેવાયો છે. કેપ્ચર પીડિતોના વકીલ નીલ હજેલે જણાવ્યું હતું કે, આ નિર્ણય અન્ય પીડિતો માટે પણ આશાના કિરણ સમાન બનશે. તેઓ ક્રિમિનલ કેસ રીવ્યૂ કમિશનના નિર્ણયની રાહ જોઇ રહ્યાં છે.
ઓવેનની દીકરી જુલિયટે જણાવ્યું હતું કે, મારી માતાનો કેસ અપીલ કોર્ટને રીફર કરાયો છે તે જાણીને હું રડી પડી હતી. મને ગુસ્સો એ વાતનો આવે છે કે મારી માતા આજે આ દુનિયામાં હયાત નથી.
હાલમાં સીસીઆરસી કેપ્ચર સોફ્ટવેર સિસ્ટમ સાથે સંકળાયેલા 30 કેસની તપાસ કરી રહી છે. તેમાંથી 27 કેસ રીવ્યૂ મેનેજરોને સોંપાયા છે. સીસીઆરસીના ડેમ વેરા બાયર્ડે જણાવ્યું હતું કે, ઓવેનનો કેસ ટચ સ્ટોન છે અને જો તેમનો ચુકાદો ઉલટાવી દેવાશે તો સમીક્ષા અંતર્ગત રહેલા અન્ય કેસો પર પણ ઝડપથી નિર્ણય લઇ શકાશે.