લંડનઃ પોસ્ટ ઓફિસના કેપ્ચર આઇટી સ્કેન્ડલનો ભોગ બનેલા સબ પોસ્ટમાસ્ટરોને વળતર ચૂકવવાની યોજના શરૂ કરાઇ છે. સરકારે જણાવ્યું છે કે સ્કેન્ડલના પીડિતો હવે વળતર માટે અરજી કરી શકે છે. જે અરજકર્તાઓ યોગ્ય ગણાશે તેમને તાત્કાલિક 10,000 પાઉન્ડ ચૂકવાશે અને એક સ્વતંત્ર પેનલની સંપુર્ણ સમીક્ષા બાદ કુલ વળતર પેટે 3,00,000 પાઉન્ડ ચૂકવાશે. કેટલાક કિસ્સામાં વળતરની રકમ વધી પણ શકે છે.
પોસ્ટ ઓફિસમાં કુખ્યાત હોરાઇઝન સોફ્ટવેર પહેલાં કેપ્ચર સિસ્ટમનો ઉપયોગ કરાયો હતો. હોરાઇઝનની ખામીયુક્ત સિસ્ટમને કારણે 1000 જેટલાં સબ પોસ્ટમાસ્ટરને ગેરરિતી માટે ખોટી રીતે દોષી ઠેરવાયાં હતાં. ગયા વર્ષે કેપ્ચર સિસ્ટમમાં રહેલી ખામીઓ માટેનો તપાસ રિપોર્ટ જારી કરાયો હતો. પીડિત સબ પોસ્ટમાસ્ટરોએ આરોપ મૂક્યો હતો કે તેઓ પણ હોરાઇઝન પીડિતોની જેમ ખામીયુક્ત સોફ્ટવેરનો ભોગ બન્યાં છે.
કેપ્ચર સોફ્ટવેર 1992થી 2000 વચ્ચે પોસ્ટઓફિસમાં કાર્યરત હતું અને તેના કારણે હિસાબમાં થયેલી ગેરરિતીઓ માટે સબ પોસ્ટમાસ્ટરોને જવાબદાર ગણાવી તેમની પાસેથી રકમની વસૂલાત કરાઇ હતી.
હોરાઇઝન પીડિત પોસ્ટમાસ્ટરો માટે ન્યાયની પુનઃસ્થાપના યોજના શરૂ કરાશે
પોસ્ટ ઓફિસ હોરાઇઝન આઇટી સ્કેન્ડલના પીડિતો માટે ન્યાયની પુનઃસ્થાપનાની યોજના શરૂ કરવા જઇ રહી છે જે અંતર્ગત પીડિતો ફુજિત્સુ અને પોસ્ટ ઓફિસના પ્રતિનિધિઓ સાથે રૂબરૂમાં મુલાકાત કરી શકશે. નવી યોજના પર કામ કરી રહેલી ચેરિટીએ જણાવ્યું છે કે પ્રથમ પાંચ મહિના માટે આ યોજના પાયલટ ફેઝમાં રહેશે પરંતુ તે પાંચ વર્ષ સુધી ચાલે તેવી સંભાવના છે. જેમાં પીડિતો માટે સ્પેશિયલ કોમેમોરેટિવ પોસ્ટેજ સ્ટેમ્પ જારી કરવા સહિતના પગલાં સામેલ કરાશે. પીડિત સબ પોસ્ટમાસ્ટરોને વળતર ચૂકવવાની યોજનાઓ ઉપરાંતની આ યોજના રહેશે.


