લંડનઃ પોસ્ટ ઓફિસની ખામીયુક્ત કેપ્ચર કોમ્પ્યુટર સિસ્ટમ સાથે સંકળાયેલા કૌભાંડમાં જેલની સજા ભોગવનાર એક વ્યક્તિની સજા કોર્ટ ઓફ અપીલ દ્વારા રદ કરાય તેવી શક્યતા છે. 1990ના દાયકામાં પોસ્ટ ઓફિસ દ્વારા ચોરીના ગુનામાં દોષિત ઠેરવાયેલા તેઓ ત્રીજા વ્યક્તિ છે, જેમના કેસમાં 'ક્રિમિનલ કેસીસ રિવ્યુ કમિશન' દ્વારા ન્યાયમાં સંભવિત ચૂક થઈ હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું છે.
61 વર્ષીય નરિન્દર ઔજલાને વેસ્ટ મિડલેન્ડ્સના ડડલી સ્થિત તેમની શાખામાં 10,000 પાઉન્ડની કથિત ઉચાપત બદલ 1998માં દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને તેમણે ચાર મહિના જેલવાસ ભોગવ્યો હતો.
એક અખબારી તપાસમાં કેપ્ચર સિસ્ટમમાં અનેક ખામીઓ અને ભૂલો હોવાનું બહાર આવ્યા બાદ ઔજલાએ જૂન 2025માં આ વોચડોગ સંસ્થા સમક્ષ અરજી કરી હતી. સીસીઆરસીએ જણાવ્યું છે કે તેમની સજા રદ થવાની વાસ્તવિક શક્યતા હોવાના આધારે હવે આ અરજી કોર્ટ ઓફ અપીલને મોકલી આપવામાં આવી છે.
સીસીઆરસીના અધ્યક્ષ ડેમ વેરા બેયર્ડ કેસીએ જણાવ્યું હતું કે, આ ત્રીજી કેપ્ચર સંબંધિત સજા છે જેને અમે કોર્ટ ઓફ અપીલમાં મોકલી છે. આ બાબત એ વધતા પુરાવાઓમાં ઉમેરો કરે છે કે કેપ્ચર પોસ્ટ ઓફિસની એવી ખામીયુક્ત સોફ્ટવેર સિસ્ટમ્સની શ્રેણીમાં હતી જેણે મહેનતુ સબ-પોસ્ટમાસ્ટરો માટે અપાર અન્યાય અને પીડા ઊભી કરી છે.

