લંડનઃ બ્રિટિશ શીખ કેપ્ટન જગજીતસિંહ સોહલને પ્રિન્સેસ રોયલ એન દ્વારા ઓબીઇની ઉપાધિથી સન્માનિત કરાયા છે. વર્ષ 2015માં સ્ટેફોર્ડશાયરમાં પ્રથમ વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા શીખ સૈનિકો માટે કેપ્ટન સોહલે એક મેમોરિયલની સ્થાપના કરી હતી. યુકેમાં આ પ્રકારનું પ્રથમ શીખ મેમોરિયલ હતું. બર્મિંગહામમાં જન્મેલા સોહલ આર્મી રિઝર્વિસ્ટ છે.
શુક્રવારે આયોજિત સમારોહમાં 42 વર્ષીય સોહલ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયરમાં ઓફિસર તરીકે સામેલ થવા યુનિફોર્મમાં સજ્જ થઇને હાજર રહ્યા હતા. પ્રિન્સેસ એને સોહલને ઓબીઇ મેડલ પહેરાવીને સન્માન કર્યું હતું. સોહલ રોયલ સટ્ટન કોલ્ડફિલ્ડના કોમ્યુનિકેશન્સ એક્સપર્ટ પણ છે.
સોહલે પ્રિન્સેસ એનને જણાવ્યું હતું કે, બંને વિશ્વયુદ્ધમાં બલિદાનો આપનારા શીખ સૈનિકોની યાદમાં આ મેમોરિયલ કેટલું આવશ્યક હતું. મને આશા છે કે આ મેમોરિયલ વિવિધ બેકગ્રાઉન્ડમાંથી આવતા લોકોને દેશની સેવા કરવા માટે પ્રેરણાદાયી બની રહેશે.


