કેપ્ટન સર ટોમ મૂરની ચેરિટીના વહીવટમાં તપાસની જાહેરાત

Wednesday 06th July 2022 02:54 EDT
 
 

લંડનઃ કોરોનાવાઈરસ મહામારીના ગાળામાં ફંડ એકત્ર કરવાની પ્રેરણાદાયી કામગીરી માટે બિરદાવાયેલા દિવંગત પીઢ સૈનિક કેપ્ટન સર ટોમ મૂર સાથે સંકળાયેલી ચેરિટી કેપ્ટન ટોમ ફાઉન્ડેશનના વહીવટમાં તપાસ કરવાની જાહેરાત ચેરિટી કમિશને કરી છે. કમિશને જણાવ્યું હતું કે ફાઉન્ડેશનના વહીવટને મૂર ફેમિલીથી સ્વતંત્ર રાખવાની જરૂરિયાત જણાઈ છે.

પૂર્વ આર્મી ઓફિસર ટોમ મૂરે ૯૯ વર્ષની વયે NHSની મદદ માટે પોતાના ગાર્ડનમાં વોકિંગ ફ્રેમના સહારે 100 લેપ્સ (2500 મીટર) ચાલીને આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધિ મેળવી હતી. તેમણે NHS અને અન્ય ચેરિટીઝ માટે 38 મિલિયન પાઉન્ડ એકત્ર કર્યા હતા. તેમના ચેરિટી પ્રયાસ બદલ ક્વીને તેમને નાઈટહૂડ એનાયત કર્યું હતું કેપ્ટન મૂર ફેબ્રુઆરી 2021માં કોવિડથી મોત પામ્યા હતા.

જાહેર આરોગ્ય અને કલ્યાણના હેતુસર જૂન 5 2020માં કેપ્ટન ટોમ ફાઉન્ડેશનની સ્થાપના કરાઈ હતી. જોકે, કેપ્ટન ટોમની પુત્રી હાન્નાહ ઈન્ગ્રામ- મૂર અને તેમના પતિ કોલીન ઈન્ગ્રામ- મૂરના અંકુશ હેઠળની કંપની ક્લબ નૂક લિમિટેડ અને ફાઉન્ડેશન વચ્ચેની કડી બાબતે કમિશને ચિંતા દર્શાવી છે. ક્લબ નૂકને ‘કેપ્ટન મૂર’ના નેજા હેઠળ વિવિધ નામનો બ્રાન્ડ તરીકે ઉપયોગ કરવા મળ્યો હતો જેનો ચેરિટી દ્વારા કોઈ વિરોધ કરાયો ન હતો.

હાન્નાહ અને કોલીન ઈન્ગ્રામ- મૂરનું કહેવું છે કે દિવંગત કેપ્ટન સર ટોમ મૂર દ્વારા એકત્ર કરાયેલી 38 મિલિયન પાઉન્ડની રકમ ફાઉન્ડેશનની સ્થાપના અગાઉ જ અન્ય ચેરિટી NHS Charities Togetherને દાન કરી દેવાઈ હતી અને તે આ તપાસનો હિસ્સો નથી. હાન્નાહ અને કોલીન આ ફાઉન્ડેશનની સ્થાપના સમયે ટ્રસ્ટી ડાયરેક્ટર્સ પણ ન હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter