કેબના ભાડાંમાં તોળાતો 20 ટકાનો ભાવવધારો

હાઇકોર્ટના ચુકાદાના પગલે ટેક્સી કંપનીઓએ વેટ ચૂકવવો પડશે

Tuesday 17th October 2023 13:05 EDT
 
 

લંડનઃ હાઇકોર્ટના ચુકાદાના કારણે કેબના ભાડામાં 20 ટકા સુધીનો વધારો થવાનું જોખમ સર્જાતાં દેશભરની ટેક્સી કંપનીઓએ સરકારને કાયદામાં સુધારાની અપીલ કરી છે. બોલ્ટ, ઉબર તેમજ અન્ય સ્વતંત્ર ટેક્સી કંપનીઓ પર આ ચુકાદાની વ્યાપક અસર થવાની છે. હાઇકોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે,  ડ્રાઇવર નહીં પરંતુ ટેક્સી કંપનીઓ પ્રવાસીઓ સાથેના તેમના કોન્ટ્રાક્ટ માટે જવાબદાર રહેશે. આ ચુકાદાનો અર્થ એ થયો કે પહેલીવાર પ્રાઇવેટ હાયર કંપનીઓ ભાડાંની રકમ પર વેટ ઉઘરાવવા માટે જવાબદાર રહેશે. ટીકાકારો આ ટેક્સને ટેક્સી ટેક્સ તરીકે પણ વખોડે છે.

જો કે ટેક્સી કંપનીઓ હજુ આ ટેક્સ ચૂકવવા તૈયાર નથી. તેમણે ટ્રેઝરી અને ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ સમક્ષ રજૂઆતો શરૂ કરી દીધી છે અને ટેક્સી ઓપરેટરોને વેટમાંથી મુક્તિ મળે તે માટે કાયદામાં બદલાવ કરવા સરકારને અપીલ કરી છે.

હાલના નિયમો પ્રમાણે પ્રાઇવેટ હાયર ઓપરેટરો વ્યક્તિગત ડ્રાઇવરના નાતે વેટની ચૂકવણી કરતા નથી. ડ્રાઇવરને સેલ્ફ એમ્પ્લોઇડ કોન્ટ્રાક્ટર ગણવામાં આવે છે અને તેમના પર આવકની 85000 પાઉન્ડની મર્યાદા લાગુ થતી નથી. પરંતુ હવે હાઇકોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું છે કે ડ્રાઇવર નહીં પરંતુ ટેક્સી કંપની પ્રવાસી સાથે કોન્ટ્રાક્ટમાં હોય છે. તેથી ટેક્સી કંપનીએ વેટની ચૂકવણી કરવી પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter