કેમરન અને થેરેસા મે વચ્ચે જંગઃ ટોરી પાર્ટીમાં પણ યાદવાસ્થળી

Wednesday 28th September 2016 06:51 EDT
 
 

લંડનઃ આંતરિક વિખવાદ માત્ર લેબર પાર્ટી માટે જ અનામત નથી. ડેવિડ કેમરનની છાવણીમાંથી આવેલા કેટલાક અહેવાલો મુજબ કન્ઝર્વેટિવ પાર્ટીમાં પણ રાજકીય ચરુ ઉકળી રહ્યો છે. આ કોઈ નાની લડાઈ નથી પરંતુ એક સમયના મિત્રમાંથી દુશ્મન બનેલા પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરન અને વર્તમાન વડા પ્રધાન થેરેસા મે વચ્ચે ભારે જંગ છેડાયો છે. ઈયુ રેફરન્ડમ અભિયાન સંબંધિત બે પુસ્તકમાં કેમરન અને મે વચ્ચે બ્રેક્ઝિટ મુદ્દે કડવાશપૂર્ણ વિખવાદ બહાર આવ્યો છે, જેમાં કેમરન અને સાથીઓએ મેને દુશ્મનના એજન્ટ તરીકે ચીતર્યા છે.

બ્રિટન આવતા ઈયુ ઇમિગ્રન્ટસને અંકુશિત કરવાની યોજનાઓને ટેકો આપવામાં નિષ્ફળ ગયેલા તત્કાલિન હોમ સેક્રેટરીને કેમરનને સલાહકારોએ ખરાબ ચિતર્યા હતા. તે સમયે મેએ અન્ય ઈયુ નેતાઓ રોષે ભરાય તેવા ભયથી ૨૦૧૪માં ઈમરજન્સી બ્રેકનો આગ્રહ નહીં રાખવા તત્કાલિન વડાપ્રધાન કેમરનને અનુરોધ કર્યો હતો. જોકે મેની છાવણીએ સામો પ્રહાર કરતા કહ્યું છે કે તેઓ હંમેશાં ઈમિગ્રેશન પર નિયંત્રણો ઈચ્છતા હતા અને કેમરનનું સમર્થન કરતાં હતાં.

સર ક્રેગ ઓલિવરના પુસ્તક ‘Unleasing Demons: The Inside story of the EU Referendum’ ના અંશો મેઈલ ઓન સન્ડેમાં પ્રકાશિત થયા છે જેમાં કેમરનના ડીરેક્ટર ઓફ કોમ્યુનિકેશન્સ કહે છે કે વડાપ્રધાને બ્રેક્ઝિટ અંગે વાડ પરથી નીચે ઊતરવા મેને વિનંતી કરી હતી. સર ઓલિવરે કહ્યું હતું કે તત્કાલિન હોમ સેક્રેટરી રીમેઇન કેમ્પેઇનને સમર્થન આપવામાં ૧૩ વખત નિષ્ફળ રહ્યાં હતાં તેથી કેટલાક માટે તેઓ દુશ્મનના એજન્ટ જેવા હતા. બીજા પુસ્તક ‘All Out War: The Full Story of How Brexit Sank Britain's Political Class’માં સન્ડે ટાઈમ્સના પોલીટિકલ એડીટર ટીમ શીપમેન દાવો કરે છે કે કેમરન તેમના ઈયુ વાટાઘાટોના ભાગરૂપે ઇમરજન્સી બ્રેકનો આગ્રહ રાખતા હતા. આવું પગલું મતદારોને સમજાવી શક્યું હોત કે જો બ્રિટન ઈયુમાં રહેશે તો પણ તેઓ ઇમિગ્રેશન ઘટાડી શકશે. જોકે થેરેસા મે અને તત્કાલિન ફોરેન સેક્રેટરી વર્તમાન ચાન્સેલર ફિલિપ હેમન્ડે આમ નહીં કરવા કેમરન પર ભારે દબાણ કર્યું હતું. આવા પગલાંથી જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ રોષે ભરાયા હોત તેઓ મેને ભય હતો.

આ બે પુસ્તકો બ્રેક્ઝિટ મુદ્દે કન્ઝર્વેટિવ પાર્ટીમાં વિભાજન હોવા પર ભારે મૂકે છે. હવે કેમરનના પૂર્વ સમર્થકો જ્યોર્જ ઓસબોર્નના ટેકામાં આવ્યા છે. શિકાગો કાઉન્સિલ ઓન ગ્લોબલ એફેર્સને સંબોધન કરતાં ઓસબોર્ને એવી ચેતવણી આપી છે કે બ્રિટનને ઈયુ રેફરન્ડમમાં ‘હાર્ડ બ્રેક્ઝિટ’ માટે મત આપ્યો નથી અને ઈયુ છોડવાની વાટાઘાટામાં તેણે સમાધાન કરવું પડશે. આગામી ઓટમ સુધી આર્ટીકલ ૫૦ ને ઉપયોગમાં નહીં લાવવા તેમણે મેને ચેતવણી પણ આપી છે. માઈગ્રેશનની જગ્યાએ અર્થતંત્રને પ્રાધાન્ય આપવાની પણ પૂર્વ ચાન્સેલરે હાકલ કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter