લંડનઃ પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરને તેમના શાસનકાળ વિશે નિખાલસ વર્ણન કરતી ઓટોબાયોગ્રાફી લખવાનો કરાર હાર્પરકોલિન્સ સાથે કર્યો છે. વડા પ્રધાન નિવાસ ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટમાં તેમના પારિવારિક જીવન તેમજ ઈયુ રેફરન્ડમ સહિતનું આ વૃતાંત ૨૦૧૮માં પ્રકાશિત થવાની શક્યતા છે. પૂર્વ વડા પ્રધાન કેમરને તેમની કઈ નીતિએ કામ કર્યું અને કઈ બાબતોમાં નિષ્ફળતા સાંપડી તે વિશે પ્રામાણિક રહેવાની ખાતરી ઉચ્ચારી છે. આ પુસ્તકનું ટાઈટલ હજુ અપાયું નથી.
કેમરન ૨૦૧૭નું વર્ષ આ પુસ્તક લખવામાં ગાળશે, જેમાં તેઓ યુરોપિયન યુનિયનમાં બ્રિટિશ સભ્યપદ વિશે રેફરન્ડમની હાકલ અને તેમાં પરાજયના પગલે વડા પ્રધાન પદ અને તે પછી સંસદસભ્ય તરીકે રાજીનામું, સ્કોટિશ આઝાદી મત, અર્થતંત્ર, વેલ્ફેર અને શિક્ષણક્ષેત્રમાં સુધારા, વિદેશ બાબતોમાં લિબિયા અને સીરિયા સંદર્ભે વિવાદાસ્પદ નીતિ સહિત પોતાના નિર્ણયોનું નિખાલસ વિશ્લેષણ કરશે.
કેમરને જણાવ્યું હતું કે ‘એક દાયકાથી વધુ સમય માટે કન્ઝર્વેટિવ પાર્ટીની નેતાગીરી તેમજ છ વર્ષથી વધુ સમય દેશના વડા પ્રધાન તરીકે સેવા આપવાનું ગૌરવ મને પ્રાપ્ત થયું છે. મેં લીધેલા નિર્ણયો અને તે નિર્ણયો શા માટે લીધા તેનો ખુલાસો કરવાની આ તક મને મળી છે. શેમાં સફળતા મળી અને શેમાં નિષ્ફળતા તેના વિશે હું નિખાલસ રહીશ.’
વડા પ્રધાનપદ છોડ્યા પછી તેમની યોજનાઓ વિશે કેમરને ખાસ જણાવ્યું નથી. જોકે, તેઓ યુએસ કંપની બેઈન કેપિટલ માટે પ્રવચન આપવાના હોવાનું બહાર આવ્યું છે. તેમણે પાર્લામેન્ટના સભ્ય તરીકે પણ રાજીનામું આપ્યું હોવાથી પ્રવચનો કે પુસ્તકમાંથી મળનારી કોઈ કમાણીનો જાહેર ખુલાસો કરવો પડશે નહિ.


