લંડનઃ કેમરન દંપતી તેમના નવ વર્ષીય પુત્ર એલ્વેનને લંડનની પ્રતિષ્ઠિત ખાનગી સ્કૂલમાં અભ્યાસ માટે મોકલવાનું વિચારી રહેલ છે. ડેવિડ કેમરને ખુદ એટન સરકારી શાળામાં અભ્યાસ કર્યો છે અને તેમની પુત્રીને પણ સરકારી શાળામાં મૂકી હતી. સાત વર્ષ અગાઉ કેમરને ખાનગી શાળાઓની ફીને ‘મૂર્ખતાપૂર્ણ’ ગણાવી પોતાના સંતાનોને સરકારી શાળામાં ભણાવવાની વાત કરી હતી.
કેમરન દંપતી શાળા અંગે નક્કી કરી શક્યા નથી, પરંતુ તેમનો ઝોક વર્ષે ૧૮,૦૦૦ પાઉન્ડની ફી ધરાવતી કોલેટ કોર્ટ પ્રેપરેટરી સ્કૂલ તરફ હોવાનું જણાય છે. કોલેટ કોર્ટ સાઉથ-વેસ્ટ લંડનના બાર્નેસમાં સેન્ટ પોલ્સ સ્કૂલનો હિસ્સો છે. સામાન્યપણે પેરન્ટ્સ ઘણી સરકારી અને ખાનગી શાળામાં પ્રવેશ માટે અરજી કરતા હોય છે.


