લંડનઃ દર ત્રણ મહિને જાહેર કરાતા ઈમિગ્રેશન આંકડા ડેવિડ કેમરનને તેમના બાકી કાર્યમાં સૌથી મોખરે મુદ્દાની યાદ અપાવે છે. બ્રિટિશ પ્રજા ઊંચા ઈમિગ્રેશન પ્રત્યે ભારે નારાજગી ધરાવે છે ત્યારે વડા પ્રધાને સમસ્યાનો નિકાલ લાવવા ખાતરી આપી હતી, પરંતુ તેમની ઈમિગ્રેશન નીતિ સદંતર નિષ્ફળ ગઈ છે. બ્રિટનમાં કામ કે અભ્યાસ કરવાનું ઓછું આકર્ષક બનાવવા જાહેરાતોની લાંબા ગાળાની અસરો જોવા મળી નથી. નવા આંકડા મુજબ નેટ માઈગ્રેશન ૩૩૦,૦૦૦ની વિક્રમી સંખ્યાએ પહોંચ્યું છે.
બ્રિટનના તંદુરસ્ત અર્થતંત્રના કારણે વિશ્વભરના વર્કર્સ અને તેમના પરિવારો ખેંચાઈ આવે છે. અર્થતંત્રને નુકસાન પહોંચાડ્યા વિના ઈમિગ્રેશનમાં કાપ મૂકવો શક્ય નથી. કેમરનના ધ્યેયથી ખરાબ છબી ઉપસતી હોવાની ફરિયાદ બિઝનેસ અગ્રણીઓ કરતા રહ્યા છે. માઈગ્રેશનમાં નવા વધારા માટે યુરોપિયન વર્કર્સનો ધસારો વધુ જવાબદાર હોવાથી ઈયુ સાથે બ્રિટનના સંબંધોની ફરી વાટાઘાટો સંબંધે દબાણ વધી રહ્યું છે.