લંડનઃ ક્વીન કેમિલા... એક સામાન્ય છોકરીથી પાટવી કુંવરની મિસ્ટ્રેસ અને પત્ની તથા હવે બ્રિટનની મહારાણી બનેલા કેમિલા શેન્ડની જીવનયાત્રા ઘણા ઉતારચડાવભરી રહી છે. કેમિલાના પ્રારંભિક જીવનમાં કોઇએ કલ્પના પણ નહીં કરી હોય કે એક દિવસ તે બ્રિટનના મહારાણી બનશે. કેમિલા શેન્ડમાં વિશેષ કશું જ નહોતું. ઉચ્ચ મધ્યમવર્ગીય પરિવારની દીકરીના યુવાનીકાળમાં એક ઉદાસીનતા પ્રવર્તતી હતી જેણે લગ્નેતર સંબંધને જન્મ આપ્યો. તત્કાલિન પ્રિન્સ ઓફ વેલ્સ સાથેના લગ્નેતર સંબંધ તેમના જીવનની કાયમી પ્રેમકથા બની ગયાં.
પ્રિન્સ ઓફ વેલ્સ ચાર્લ્સ અને કેમિલા વચ્ચેનો લગ્નેતર સંબંધ 20 વર્ષ ચાલ્યો. આ દરમિયાન કેમિલાએ બે નિષ્ફળ લગ્નસંબંધોનો સામનો કર્યો અને પ્રિન્સ ચાર્લ્સના પત્ની લેડી ડાયના સાથેના સંબંધ પણ તણાવભર્યા જ રહ્યાં. આખરે 2005માં પ્રિન્સ ચાર્લ્સ અને કેમિલા શેન્ડે તેમના લગ્નેતર સંબંધને લગ્નની મહોર મારી. આ વર્ષે તેમણે પોતાની 20મી લગ્નગાંઠ ઉજવી છે.
કેમિલાનો ઉછેર સસેક્સમાં થયો. મેજર બ્રુસ શેન્ડ અને રોઝલિન્ડ ક્યુબિટના 3 સંતાનમાં કેમિલા સૌથી મોટા હતા. બ્રિટિશ સેનામાં મેજર તરીકે ફરજ બજાવ્યા બાદ તેઓ વાઇન બિઝનેસમેન બન્યાં હતાં. તેઓ સ્વતંત્ર અને શ્રીમંત હતા. તેમની માતાના પૂર્વજ થોમસ ક્યુબિટે બકિંગહામ પેલેસની બાલ્કનીનું નિર્માણ કર્યું હતું. તેમની પરદાદી એલિસ કેપેલ કિંગ એડવર્ડ સાતમાની મિસ્ટ્રેસ હતી.
પ્રિન્સ ચાર્લ્સ 22 વર્ષના અને કેમિલા 24 વર્ષના હતા ત્યારે તેમની વચ્ચે એક ડિનર પાર્ટીમાં પહેલીવાર મુલાકાત થઇ હતી. કેમિલાએ પ્રિન્સ ચાર્લ્સના શરમાળ સ્વભાવને દૂર કરવામાં મદદ કરી અને આ રીતે બંને અવારનવારની મુલાકાતો બાદ નિકટ આવી ગયાં.
લેડી ડાયના સાથે પ્રિન્સ ચાર્લ્સના લગ્ન છતાં કેમિલા અને ચાર્લ્સ એકબીજાથી દૂર રહી શક્યાં નહીં. 20 વર્ષ સુધી આ લગ્નેતર સંબંધ પ્રિન્સના દામ્પત્યજીવનને સમાંતર ચાલતો જ રહ્યો. પ્રિન્સ ચાર્લ્સ સાથેનો પ્રેમ કેમિલાએ વફાદારી અને પ્રમાણિકતાથી નિભાવે રાખ્યો. આખરે 2005માં આ સંબંધને સામાજિક મહોર વાગી.
20 વર્ષના પ્રિન્સ ચાર્લ્સ સાથેનું દામ્પત્યજીવન મહદ્દઅંશે સફળ ગણી શકાય. કેમિલા તેમના સાવકા પુત્રો પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરીનો પ્રેમ અને વિશ્વાસ જીતવામાં પણ સફળ રહ્યાં અને અંતે પ્રિન્સ ચાર્લ્સની તાજપોશીને પગલે બ્રિટિશ રાજસિંહાસન પર ક્વીન તરીકે પણ બિરાજમાન થયાં.