લંડન
કિંગ ચાર્લ્સ અને ક્વીન કોન્સોર્ટ કેમિલાની લવસ્ટોરી બિનપરંપરાગત અને જટિલ છે. 1970માં એક પોલો મેચ દરમિયાન બંનેની આંખો મળી અને ચાર દાયકાનો આ પ્રેમ પ્રિન્સેસ ડાયનાના મોત બાદ લગ્ન સંબંધમાં પરિણમ્યો. હવે તેઓ એકબીજાની પડખે એક મજબૂત ટીમની જેમ ઊભા છે.
આ રાજવી યુગલ હવે રાજવી પરિવારનું નેતૃત્વ કરી રહ્યું છે ત્યારે તેમના એક ગાઢ મિત્ર કહે છે કે કેમિલાએ કિંગ ચાર્લ્સના જીવનમાં ધરમૂળથી પરિવર્તન લાવી દીધું છે. રાજવી પરિવારના ફોટોગ્રાફર આર્થર એડવર્ડ્સ કહે છે કે કિંગ ચાર્લ્સના જીવન પર કેમિલાનો હકારાત્મક પ્રભાવ રહ્યો છે. કિંગ ચાર્લ્સનો ગુસ્સો જાણીતો છે પરંતુ તેને કાબુ કરવામાં કેમિલાએ મહત્વની ભુમિકા નિભાવી છે.
આર્થર કહે છે કે હવે કિંગ ચાર્લ્સ ઘણા શાંત થઇ ચૂક્યા છે. તેઓ કોઇપણ બાબત પર તરત ઉશ્કેરાઇ જતા નથી અને શાંતિથી વિચાર કરીને પગલાં લે છે. કિંગ ચાર્લ્સ ઝડપથી ગુસ્સે થઇ જતા હતા પરંતુ મેં લાંબાસમયથી તેમને ગુસ્સે થતા જોયા નથી.
1996માં લેડી ડાયના સાથેના કિંગ ચાર્લ્સના છૂટાછેડા બાદ રાજવી પરિવારની પ્રતિષ્ઠાને ઘણી હાનિ પહોંચી હતી. પરંતુ કિંગ ચાર્લ્સ અને ક્વીન કોન્સોર્ટે તેમની અથાક કામગીરી દ્વારા બ્રિટિશ પ્રજાના માનસમાં પરિવર્તન લાવવામાં સફળતા હાંસલ કરી છે. તેઓ નતમસ્તકે તેમનું કામ કરતાં રહ્યાં છે. કેમિલાએ 200 કરતાં વધુ સંસ્થાઓના વડા તરીકે અથાક પરિશ્રમ કર્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે તેઓ કિંગની પડખે હંમેશા રહ્યાં છે.
રાજવી લેખક પેની જુનોર કહે છે કે કેમિલાએ ચાર્લ્સમાં ધરમૂળથી પરિવર્તન લાવી દીધું છે. કિંગ ચાર્લ્સ કેમિલા સાથે ઘણા ખુશ છે. કેમિલા કિંગને આત્મવિશ્વાસ અપાવે છે અને જરૂર પડ્યે તેમની સાથે ઊભા રહે છે.
મહારાણીને પુત્રવધૂ સાથે વિશેષ સંબંધો બંધાઇ ગયાં હતાં
મહારાણી એલિઝાબેથ બીજાને પણ કેમિલા સાથે વિશેષ સંબંધો બંધાઇ ગયાં હતાં. પ્લેટિનમ જ્યુબિલીના સંદેશામાં મહારાણીએ આશા વ્યક્ત કરી હતી કે તેમના નિધન બાદ મારો દીકરો ચાર્લ્સ રાજા બનશે ત્યારે કેમિલાને ક્વીન કોન્સોર્ટ જાહેર કરવામાં આવશે. હું જાણું છું કે બ્રિટનની પ્રજા જેમ મને સપોર્ટ આપતી આવી છે તેવી જ રીતે મારા પુત્ર અને તેની પત્નીને પણ સપોર્ટ આપતી રહેશે. આ મારી ગંભીર ઇચ્છા છે.


