લંડનઃ અયોગ્ય ભાષા અને ધમકીઓના આરોપ મૂકાયા બાદ કન્ઝર્વેટિવ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયેલા દાતા રેમી રેન્જરે ગયા સપ્તાહમાં કન્ઝર્વેટિવ નેતા કેમી બેડનોક સાથે ડીનર માટે 50,000 પાઉન્ડનો ખર્ચ કર્યો હતો. ટોરી ફંડ રેઇઝિંગ ઇવેન્ટમાં ડીનર માટે રેમી રેન્જર સફળ બીડર રહ્યાં હતાં. જોકે તેમને પાર્ટીમાં પરત ન લેવા ઇચ્છતા ઘણા ટોરી નેતાઓના ભવાં ખેંચાયાં હતાં.
વર્ષ 2009થી કન્ઝર્વેટિવ પાર્ટીને 1.5 મિલિયન પાઉન્ડ જેવું માતબર દાન આપી ચૂકેલા રેમી રેન્જરને પાકિસ્તાનીઓ અને એક સ્વતંત્ર પત્રકાર વિરુદ્ધની ટિપ્પણીઓ માટે વર્ષ 2023માં પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા હતા. નવેમ્બર 2024માં તેમને પાર્ટીમાં પરત લેવાયા હતા પરંતુ તેમને સીબીઇનો દરજ્જો ગુમાવવાનો વારો આવ્યો હતો.
રેમી રેન્ડરે જણાવ્યું હતું કે મેં ફરિયાદીઓની માફી માગવાનો ઇનકાર કર્યો હતો તેથી મને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવાયો હતો. હું 1978થી કન્ઝર્વેટિવ પાર્ટીનો સભ્ય રહ્યો છું. મુક્ત વેપાર અને બ્રિટનની સ્પર્ધાત્મકતામાં મારી માન્યતા જ મારા આર્થિક અને અન્ય સમર્થનનો આધાર છે.


