લંડનઃ કેમ્બ્રિજ યુનિવર્સિટીને કોવિડ-૧૯ મહામારીના કારણે ભારે આર્થિક મુશ્કેલી સહન કરવી પડે તેવી શક્યતા છે. યુકેમાં સૌથી ધનવાન યુનિવર્સિટીઓમાં એક અને ૮૦૦ વર્ષ પુરાણી આ યુનિવર્સિટીને મહામારીના કારણે વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા મોટા પાયે ઘટવાનો ભય છે અને તેને ખર્ચમાં પણ કાપ મૂકવો પડે તેમ જણાય છે. આના કારણે, યુનિવર્સિટી સરકાર પાસે નાણાકીય સહાય મેળવવાની આશા રાખે છે.
કેમ્બ્રિજ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રોફેસર સ્ટીફન ટૂપે ચેતવણી આપી છે કે સંસ્થાને કોરોના વાઈરસ મહામારીના કારણે લાખો પાઉન્ડના નુકસાનનું જોખમ છે. સ્ટાફ અને વિદ્યાર્થીઓને પાઠવેલા ઈમેઈલમાં પ્રોફેસરે સમજાવ્યું હતું કે વેતનો સ્થગિત કરવા અને ઘટાડવા જેવાં પગલાંને ટાળવા યુનિવર્સિટી સરકારના સપોર્ટની અપેક્ષા રાખે છે. મલ્ટિ-બિલિયન પાઉન્ડનું એન્ડાઉમેન્ટ ભંડોળ હોવાં છતાં યુનિવર્સિટી આગામી શૈક્ષણિક વર્ષમાં નાણાકીય મુશ્કેલી અનુભવશે. આનું કારણ ઊંચી ટ્યુશન ફી ચૂકવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા તેમજ રિસર્ચ ફંડિંગમાં ઘટાડો છે. કોલેજિયેટ યુનિવર્સિટીને લાખો પાઉન્ડના કેશફ્લોમાં ભારે ઘટાડો સહન કરવાનો થશે. ૮૦૦ વર્ષની યુનિવર્સિટી કેટલાક ખર્ચકાપના પગલાં પણ વિચારી રહી હોવાનું વાઈસ ચાન્સેલર ટૂપે જણાવ્યું હતું. કેમ્બ્રિજની સેન્ટ્રલ યુનિવર્સિટી ૩.૪ બિલિયન પાઉન્ડનું એન્ડાઉમેન્ટ ભંડોળ ધરાવે છે અને ફિક્સ્ડ એસેટ્સ સહિત તેની કુલ અનામતો ૫.૨ બિલિયન પાઉન્ડથી વધુ છે. તેનો વાર્ષિક ખર્ચ ૨.૩ બિલિયન પાઉન્ડ છે.
કેમ્બ્રિજ યુનિવર્સિટીએ સમગ્ર ૨૦૨૦/૨૦૨૧ના શૈક્ષણિક વર્ષ માટે તેના તમામ લેક્ચર્સ ઓનલાઈન રાખવાની જાહેરાત કરી જ છે. આ નિર્ણય વિદ્યાર્થીઓને ગમ્યો નથી અને તેઓ પરંપરાગત યુનિવર્સિટી શિક્ષણનો અનુભવ મેળવવા તેમનો અભ્યાસ એક વર્, મુલતવી રાખવા પણ તૈયાર છે. પોલ અનુસાર સપ્ટેમ્બરમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમો અમલી રહેશે તો પાંચમાંથી એક વિદ્યાર્થી આગામી શૈક્ષણિક વર્ષે અભ્યાસ પસંદ કરશે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે યુકેની યુવનિવર્સિટીઓએ ૭૬૦ મિલિયન પાઉન્ડનું નુકસાન સહન કરવાનું થશે.