કેમ્બ્રિજ સ્કોલર ડો. આસિયાની યુકેમાં રહેવાની અરજી ફગાવાતાં વિરોધ

Wednesday 20th November 2019 02:09 EST
 
 

લંડનઃ ભારતમાં લાંબો સમય રહેવાનું કારણ આગળ ધરી બ્રિટિશ હોમ ઓફિસે કેમ્બ્રિજ યુનિવર્સિટીની ૩૧ વર્ષીય સ્કોલર ડો. આસિયા ઈસ્લામની અચોક્કસ મુદત સુધી વસવાટની અરજી ફગાવી ભારત પરત ફરવાનું ફરમાન કર્યું છે. હોમ ઓફિસને લખેલા ખુલ્લા પત્રમાં યુકેનાં ૧૪૦૦થી વધુ શિક્ષણવિદ્દો, વિદ્યાર્થીઓ અને કાર્યકરોએ ભારે વિરોધ કર્યો છે અને હોમ સેક્રેટરી પ્રીતિ પટેલને આ નિર્ણયનો પુનર્વિચાર કરવા અનુરોધ કર્યો છે. આસિયા એક દાયકા કરતાં વધુ સમયથી યુકેમાં રહી છે. તે ‘જેન્ડર, ક્લાસ એન્ડ લેબર ઈન ધ ન્યૂ ઈકોનોમી ઓફ અર્બન ઈન્ડિયા’ વિષય પર પી.એચડી કરી રહી છે, જેનાં ફિલ્ડ વર્ક અને રિસર્ચ માટે ભારતમાં રહેવાનું જરૂરી હતું.

હોમ ઓફિસે જણાવ્યું હતું કે ઈનડેફિનેટ લીવ ટુ રીમેઈન (ILR) સંબંધિત અરજી માટે જેટલો સમય રહેવું જરૂરી હોય તેના કરતાં વધુ સમય બ્રિટનની બહાર વીતાવ્યો છે. હોમ ઓફિસ વ્યક્તિગત કેસ પર ટીપ્પણી કરતી નથી છતાં, તેણે જણાવ્યું હતું કે દરેક ઈમિગ્રેશન અરજીનો નિર્ણય ગુણવત્તાના આધારે લે છે. ટિયર-૪ સ્ટુડન્ટ વિઝા કેટેગરીમાં ૧૦ વર્ષના ગાળામાં વ્યક્તિ ૫૪૦થી વધુ દિવસ યુકેની બહાર રહે તો તેની ILR અરજી સામાન્યપણે ફગાવી દેવાય છે. આસિયાએ તેની સુપર પ્રાયોરિટી’ ILR અરજી માટે ૩૫૦૦ પાઉન્ડ જેટલો ખર્ચ કર્યો છે.

જોકે, આસિયા કહે છે કે તેણે યુકે યુનિવર્સિટી માટે એકેડેમિક કાર્યનાં ફિલ્ડ વર્ક અને રિસર્ચ સંબંધે નવી દિલ્હીમાં વધુ સમય વીતાવવો પડ્યો છે. આ માટે ભારતમાં વીતાવેલા સમયને દેશની બહાર ગાળેલા સમય તરીકે ગણવો ન જોઈએ. આસિયાએ યુકેમાં તેની ગેરહાજરી સંદર્ભે મહત્ત્વનાં દસ્તાવેજો પણ રજૂ કર્યાં હતાં.

આસિયાએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ન્યૂનહામ કોલેજમાંથી પી.એચડી કર્યા પછી ત્રણ વર્ષની જુનિયર રિસર્ચ ફેલોશિપ મેળવી હતી. કેમ્બ્રિજ યુનિવર્સિટીની ગેટસ સ્કોલર આસિયાને શિક્ષણ ક્ષેત્રે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ દ્વારા શ્રેષ્ઠ ડીગ્રી પરફોર્મન્સ એવોર્ડ અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી દ્વારા ડો. ઝાકીર હુસેન મેડલ સહિત કેટલાક મેડલ મળ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter