લંડનઃ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં વિવાદાસ્પદ બનેલી લેખિત એન્ટ્રન્સ એક્ઝામ તમામ અરજદારો માટે ૩૦ વર્ષ પછી પુનઃ દાખલ કરાશે, જે વિવિધ વિષયો માટે અલગ હશે. મલ્ટિપલ ચોઈસ અને નિબંધના પ્રશ્નો સાથેની પ્રથમ ટેસ્ટ ઓક્ટોબર અને નવેમ્બરમાં લેવાશે.
દેશના સૌથી હોંશિયાર વિદ્યાર્થીઓની ઓળખ કરવા તૈયાર કરાયેલી પ્રવેશપરીક્ષાઓ વધુ સારી તૈયારી કરનારાઓની તરફેણ કરતી હોવાના આક્ષેપોના સંદર્ભે પડતી મૂકાઈ હતી. જોકે, નવી પરીક્ષાઓ પણ ખાનગી શાળાઓના ખર્ચાળ કોચિંગ મેળવતા વિદ્યાર્થીઓની સરખામણીએ સરકારી શાળાઓના તેજસ્વી વિદ્યાર્થીઓને ઓછી લાભકારી નીવડશે તેવી ચિંતા સેવાય છે.
હાલ અડધોઅડધ અરજદારોએ વિવિધ પરીક્ષા આપવી પડે છે તેના બદલે તમામ અરજદારોએ તેઓ સ્કૂલમાં હોય ત્યારે જ યુનિવર્સિટીમાં પ્રવેશ માટે પરીક્ષા આપવાની રહેશે. કેમ્બ્રિજના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ તેમના A-લેવલ્સની પરીક્ષાઓ આપે તેના એક વર્ષ અગાઉ જ આ પરીક્ષા લેવાશે, જેના માટે તેમણે વધારાની તૈયારી કરવી નહિ પડે. તરુણોને યુનિવર્સિટીમાં સ્થાન ઓફર કરાય તે માટે વિવિધ મૂલ્યાંકનોમાંની તે એક હશે. જટિલ મુદ્દાઓ પરત્વે વિદ્યાર્થીનો અભિગમ જાણવા સાથે મુશ્કેલ અભ્યાસક્રમોને પહોંચી વળવામાં તેમના કૌશલ્ય વિશે જાણવામાં યુનિવર્સિટીને મદદ મળશે. જોકે, કેમ્બ્રિજ યુનિવર્સિટીના વિચિત્ર અને મુશ્કેલ ગણાતા મૌખિક ઈન્ટર્વ્યુ તો યથાવત રહેશે.


