લંડનઃ કેમ્બ્રિજશાયર અને વેલ્સ વચ્ચે ડ્રગ્સ નેટવર્ક ચલાવતા ડ્રગ ડીલર્સને કેદ કરાઇ છે. ફેબ્રુઆરી 2024માં પોલીસે પીટરબરોમાં દાસ્તાન ગફૂર અને ઓઝાન કાન્દેમીરના નિવાસસ્થાનો પર દરોડા પાડી આ ડ્રગ નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે વેલ્સથી નેટવર્ક ઓપરેટ કરી રહેલા 25 વર્ષીય શારમેરન હુસેનની પણ ધરપકડ કરી હતી. આ ત્રણે ભેગામળીને મોબાઇલ ફોન દ્વારા ડ્રગ નેટવર્ક ચલાવી રહ્યાં હતાં.
પીટરબરો ક્રાઉન કોર્ટે શારમેરન હુસેનને સાડા ચાર વર્ષ અને 30 વર્ષીય દાસ્તાન ગફૂરને 4 વર્ષ કેદની સજા ફટકારી હતી. કાન્દેમીરને 10મી ઓક્ટોબરે સજાની સુનાવણી કરાશે.
ડિટેક્ટિવ કોન્સ્ટેબલ ટ્રેસી બ્લેકે જણાવ્યું હતું કે ડ્રગ નેટવર્કને કારણે સડકો પર હિંસા, શોષણ અને અન્ય ગંભીર અપરાધોનું પ્રમાણ વધી ગયું હતું. તેના કારણે વ્યક્તિઓ અને પરિવારો પર વિનાશક અસર થઇ રહી હતી. અમને આશા છે કે અપરાધીઓને મળેલી સજા સ્પષ્ટ સંકેત આપશે કે અમે આ પ્રકારની ગુનાખોરી સાંખી લઇશું નહીં.


