લંડન: કેમ્બ્રિજશાયરના નોર્થસ્ટોવમાં ધાર્મિક હેતુ માટે ફાળવવામાં આવેલી એક જમીન પર કબજો મેળવવા માટે બે અલગ-અલગ ધાર્મિક જૂથો વચ્ચે સ્પર્ધા જામી છે. એક હિન્દુ સંગઠન અને ખ્રિસ્તી-મુસ્લિમ જૂથોના સંયુક્ત ગઠબંધન દ્વારા આ જમીન માટે સામસામે બિડ (બોલી) કરવામાં આવી છે.
સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ધાર્મિક હેતૂ માટેની જમીન વેચાણ માટે મૂકવામાં આવી છે. સ્થાનિક હિન્દુ સમુદાય આ જમીન પર ભવ્ય મંદિર અને સાંસ્કૃતિક કેન્દ્ર બનાવવા માંગે છે, જે વધતી જતી હિન્દુ વસ્તીની જરૂરિયાતોને પૂરી કરી શકે. બીજીતરફ ખ્રિસ્તી અને મુસ્લિમ જૂથોએ સાથે મળીને આ જમીન પર એક મલ્ટી-ફેઈથ કેન્દ્ર સ્થાપવાની દરખાસ્ત રજૂ કરી છે, જે સામાજિક એકતાનું પ્રતીક બની શકે.
સ્થાનિક વહીવટીતંત્ર માટે આ નિર્ણય લેવો મુશ્કેલ બની રહ્યો છે, કારણ કે બંને પક્ષો પોતપોતાની આસ્થા અને સામાજિક સેવાના મુદ્દા રજૂ કરી રહ્યા છે. આ ઘટનાએ બ્રિટનમાં ધાર્મિક સંસ્થાઓ વચ્ચે જમીન અને સંસાધનો માટે વધતી જતી સ્પર્ધાને ઉજાગર કરી છે. તંત્ર દ્વારા હાલમાં બંને પક્ષોની દરખાસ્તોની ચકાસણી કરવામાં આવી રહી છે અને આગામી સમયમાં આ અંગે કોઈ આખરી નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.

