લંડનઃ યુકેમાં છરી અને ચાકુ પર પ્રતિબંધો છતાં નાઇફ ક્રાઇમ નિયંત્રણમાં લેવામાં સફળતા મળી રહી નથી. શનિવારે કેમ્બ્રિજશાયરમાં હંટિંગડન ખાતે લંડન જઇ રહેલી ટ્રેનમાં છૂરાબાજીની ઘટનામાં ઓછામાં ઓછા 11 લોકોને ઇજા પહોંચી હતી જેમાંથી 10ની સ્થિતિ ગંભીર હોવાનું મનાય છે. પોલીસે 32 વર્ષીય એન્થની વિલિયમ્સ પર હત્યાના પ્રયાસના આરોપ લગાવ્યા છે.
બ્રિટિશ ટ્રાન્સપોર્ટ પોલીસે જણાવ્યું હતું કે, ટ્રેનમાં છૂરાબાજી બાદ 10 ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. ઘટનાની તપાસમાં કાઉન્ટર ટેરરિઝમ યુનિટો પણ સામેલ થયાં છે. નજરે જોનારા સાક્ષીએ જણાવ્યું હતું કે, એક વ્યક્તિએ મોટા છરા સાથે લોકો પર હુમલા શરૂ કરી દીધા હતા જેના કારણે ટ્રેનમાં અફરા તફરી મચી ગઇ હતી. કેટલાક લોકો જીવ બચાવવા માટે ટ્રેનના વોશરૂમમાં સંતાયા હતા.વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે, આઘાતજનક બનાવ અત્યંત ચિંતા ઉપજોવનારો છે.
ટ્રેનમાં હુમલો કરનાર નાઇફમેનનો બહાદૂરીથી સામનો કરીને એક ટ્રેન વર્કરે સંખ્યાબંધ જિંદગીઓ બચાવી હતી. પોતાનો જીવ જોખમમાં મૂકીને હુમલાખોરનો સામનો કરનાર આ હીરો હાલ હોસ્પિટલમાં ગંભીર ઇજાની સારવાર લઇ રહ્યો છે. ટ્રેનના ડ્રાઇવર એન્ડ્રુ જ્હોનસને પણ ત્વરિત નિર્ણય લઇને હંટિંગડન ખાતે સ્ટોપ ન હોવા છતાં ટ્રેન રોકી દીધી હતી. ઇરાક વોર વેટરન એન્ડ્રુએ જણાવ્યું હતું કે, હું તો ફક્ત મારી ફરજ નિભાવી રહ્યો હતો. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલો મારો સહયોગી બહાદૂર છે.


