કેર વર્કર્સ આનંદોઃ હવે એનએચએસની જેમ વાર્ષિક ધોરણે પગાર વધારો

વેતનના દરો નક્કી કરવા નવી સમિતિ રચાશે, એપ્રિલ 2028થી નવા વેતન દરો અમલી બનશે

Tuesday 21st July 2026 10:34 EDT
 
 

લંડનઃ ઇંગ્લેન્ડના આશરે 15 લાખ જેટલા સોશિયલ કેર વર્કર્સ માટે સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. હેલ્થ સ્ટાફ અને કેર વર્કર્સ વચ્ચેના વેતન તફાવતરને ઘટાડવાના ઉદ્દેશ્યથી હવે તેમને પણ નેશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ)ની જેમ વાર્ષિક ધોરણે પગાર વધારો આપવામાં આવશે.

હેલ્થ સેક્રેટરી સ્ટીફન કિનોકે આ યોજના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, દેશ અને સમાજ માટે અત્યંત મહત્વપૂર્ણ યોગદાન આપનારા કેર વર્કર્સ ઘણા લાંબા સમયથી યોગ્ય વેતનથી વંચિત રહ્યા છે પરંતુ આ નવી વ્યવસ્થાથી તેમને તેમનો હક મળશે.

આ નવીન ફેરફારોને અમલી બનાવવા માટે સરકાર દ્વારા એક એડલ્ટ સોશિયલ કેર નેગોશિએટિંગ બોડી રચવામાં આવશે. આ સમિતિમાં ટ્રેડ યુનિયનો અને એમ્પ્લોયર્સને સામેલ કરાશે, જેઓ સંયુક્ત રીતે કર્મચારીઓના પગાર ધોરણ અને સેવાની શરતો નક્કી કરશે. આ સમિતિ પાસે ખાનગી અને લોકલ ઓથોરિટીઝ બંને હેઠળ કામ કરતા તમામ સંભાળ કર્મચારીઓ માટે કાયદેસરના લઘુત્તમ પગાર દર નક્કી કરવાની સત્તા રહેશે.

આ માટે સરકાર દ્વારા 500 મિલિયન પાઉન્ડનું ભંડોળ મંજૂર કરાયું છે. વર્ષના અંત સુધીમાં સમિતિની રચના કરાશે અને એપ્રિલ 2027થી પ્રથમ તબક્કાની ચર્ચા શરૂ થશે. એપ્રિલ 2028થી સુધારેલા વેતન દર લાગુ કરાશે.

હાલમાં ઇંગ્લેન્ડમાં સરેરાશ કેર વર્કરનો પગાર કલાકના 12.60 પાઉન્ડ એટલે કે વાર્ષિક અંદાજે 24થી 25 હજાર પાઉન્ડ છે જે તેમને સમકક્ષ એનએચએસના કર્મચારીના વેતન કરતાં 7,000 પાઉન્ડ ઓછો છે. જોકે, સરકાર સ્વીકારે છે કે આ પગલું તમામ સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ નથી, પરંતુ ભવિષ્યમાં નેશનલ કેર સર્વિસના નિર્માણ તરફ આ એક અત્યંત મહત્વપૂર્ણ અને નક્કર પગલું સાબિત થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter