લંડનઃ શ્રેષ્ઠ વડા પ્રધાન કોણ બની શકે તેવા પ્રશ્ર પર બોરિસ જહોન્સન કરતાં કેર સ્ટાર્મેરે આગળ હોવાનું નવા પોલમાં જણાવાયું હતું. ધ ટાઈમ્સ માટે કરાયેલા YouGov અભ્યાસમાં ૩૪ ટકાએ જણાવ્યું હતું કે હાલના વડા પ્રધાન કરતાં લેબર નેતા સારી કામગીરી કરી શકશે. જ્યારે ૩૨ ટકાએ બોરિસ જહોન્સનને સમર્થન આપ્યું હતું. આ ટકાવારી દ્વારા ૨૦૧૭માં યોજાયેલી ચૂંટણી પછી પ્રથમ વખત લેબર નેતાને વડા પ્રધાન પદ માટે યોગ્ય ગણવામાં આવ્યા છે. જહોન્સનના રેટિંગમાં એક પોઈન્ટનો ઘટાડો જ્યારે સર કેરની તરફેણમાં ત્રણ પોઈન્ટનો વધારો થયો છે. પરંતુ, મતદાનના ઈરાદામાં ટોરીએ લેબરને પાછળ રાખ્યા છે. અભ્યાસ મુજબ કન્ઝર્વેટિવ્સે ૪૨ ટકા અને લેબર પાર્ટીએ ૩૬ ટકા મેળવ્યા હતા.
સર કેરે કેરહોમ્સને અપાયેલી મદદ, સ્કૂલો ફરી શરૂ કરવા અંગે સરકારનું આયોજન અને NHS દ્વારા થઈ રહેલા ટેસ્ટ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ સિસ્ટમને મુદ્દા બનાવ્યા છે. ૬ ઓગસ્ટે જાહેર થયેલા સરકારના આંકડા મુજબ કોવિડ -૧૯થી સંક્રમિત થયેલા લોકોના સંપર્કમાં આવેલા લોકો પૈકી માત્ર ૭૨.૪ ટકા સુધી પહોંચી શકાયું હતું, જે અગાઉના અઠવાડિયાના ૭૬.૨ ટકા કરતાં ઓછું છે.
બોરિસ જહોન્સને જણાવ્યું હતું કે હું માનું છું કે હાલ અમે યુરોપના કોઈપણ દેશ કરતાં વસતિના માથાદીઠ વધુ ટેસ્ટીંગ કરીએ છીએ. આ રોગ સામે લડવાની આપણી ક્ષમતા માટે ટેસ્ટ અને ટ્રેસ સિસ્ટમ મહત્ત્વના છે અને તે અસરકારક નીવડી રહી છે. જોકે, લેબરે જણાવ્યું હતું કે કોવિડ -૧૯થી સંક્રમિત થયેલા લોકોના સંપર્કમાં આવેલા ઘણાં લોકો સુધી પહોંચાયુ નથી તે ખૂબ ચિંતાજનક છે.