લંડનઃ એપ્રિલમાં કેર હોમમાં વડીલોને રાખવાનો ખર્ચ 4000 પાઉન્ડ પ્રતિ માસ પર પહોંચી જતાં ઘણા પરિવારો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. નોર્થવેસ્ટ લંડનના 59 વર્ષીય મૌનિશ પટેલ કહે છે કે મારા 102 વર્ષીય દાદીના કેર હોમના ખર્ચને પહોંચી વળવા અમારો પરિવાર સંઘર્ષ કરી રહ્યો છે.
ડિમેન્સિયાથી પીડિત 102 વર્ષીય ચંચળબેન પટેલ હેચ એન્ડના કેર હોમમાં 3 વર્ષથી રહે છે. હાલ આ કેર હોમનો ખર્ચ બમણો થઇ ગયો છે. તેના કારણે તેમનો પરિવાર આર્થિક બોજા તળે દટાઇ ગયો છે અને તેમને એનએચએસ હેલ્થકેર સપોર્ટની માગ કરવાની ફરજ પડી છે. અન્ય પરિવારોને પણ આ સ્કીમ અંગે જાણકારી મેળવવા તેમણે અપીલ કરી છે.
પટેલ કહે છે કે શાકાહારી હોવાના કારણે દાદી માટે એવું કેર હોમ શોધવું અઘરૂં છે. એપ્રિલમાં ફીમાં નાટકીય વધારો થયો છે. અમે આ વધારાને પહોંચી વળવાની સ્થિતિમાં નથી. પરિવારના ખર્ચની સાથે દાદીના ખર્ચને પહોંચી વળવામાં સંઘર્ષ કરવો પડી રહ્યો છે.