લંડનઃ કેર હોમ્સમાં રહેતાં લોકોમાંથી લગભગ અડધા લોકો હતાશ હોવાનું NHSના રિપોર્ટમાં જણાવાયું છે. નર્સિંગ હોમ્સમાં ૧૦માંથી ચાર અને પોતાના જ ઘરમાં રહેતાં પાંચમાંથી એક વૃદ્ધ વ્યક્તિ હતાશાથી પીડાય છે અને હતાશાગ્રસ્ત મહિલાઓની સંખ્યા વધુ છે. મોટા ભાગના લોકો માને છે કે આવી સ્થિતિ વૃદ્ધત્વનો સામાન્ય હિસ્સો છે. નાજૂક અવસ્થા અને ડિમેન્શિયાગ્રસ્ત લોકોને હોસ્પિટલોમાં સામાન્ય રીતે અપાતી સારવાર જીવન લંબાવે છે, પરંતુ તેમાં સુધારો લાવતી નથી. વડા પ્રધાન ડેવિડ કેમરને કહ્યું છે કે માનસિક આરોગ્યસંભાળ માટે વાર્ષિક એક બિલિયન પાઉન્ડની વધુ ફાળવણી કરાશે.
એનએચએસ ઈંગ્લેન્ડ દ્વારા કરાવાયેલા રિપોર્ટમાં જણાવાયું છે કે વૃદ્ધ લોકોની જરૂરિયાતોને નજરઅંદાજ કરવામાં આવે છે અને મોટા ભાગના વૃદ્ધો સારવાર પણ લેતાં નથી. માનસિક આરોગ્યની સમસ્યા ધરાવતા લોકોનું શારીરિક સ્વાસ્થ્ય પણ ખરાબ રહે છે અને તીવ્ર માનસિક બીમારીગ્રસ્ત લોકો બાકીની વસ્તીની સરખામણીએ સરેરાશ ૧૫-૨૦ વર્ષ વહેલા મૃત્યુ પામે છે. પાંચમાંથી એક સગર્ભા સ્ત્રી માનસિક આરોગ્ય સમસ્યાથી પીડાય છે. દેશના ૨.૪ મિલિયન પેરન્ટ્સ બાળકોની સંભાળની જવાબદારી સાથે વૃદ્ધોને સાચવવાની કામગીરી પણ નિભાવે છે.
કેમરન સરકારે લોકોનું માનસિક આરોગ્ય સુધારવા માટે વાર્ષિક એક બિલિયન પાઉન્ડના રોકાણની યોજના જાહેર કરી છે, જેમાં ૨૦૧૨૧ સુધીમાં વધારાના ૧૦ લાખ લોકોને સારવારમાં આવરી લેવાશે. આ યોજના અંતર્ગત માનસિક આરોગ્યની સમસ્યા સાથેના આશરે ૩૦,૦૦૦ લોકોને કામકાજ શોધવા કે તેમની નોકરી જાળવી રાખવામાં મદદની વધારાની સહાય કરાશે. ૩૦૦ મિલિયન પાઉન્ડથી વધુ રકમ ‘ટોકિંગ થેરાપીઝ’ પાછળ ખર્ચાશે, જ્યારે વધુ ૫૫ મિલિયન પાઉન્ડ સાયકોલોજી થેરાપી સેન્ટર્સમાં એમ્પ્લોયમેન્ટ એડવાઈઝર્સની સંખ્યા બમણી કરવા માટે વપરાશે.


