લંડન
11 વર્ષના લાંબા સેવાકાળ બાદ નિવૃત્ત થઇ રહેલા ભવન, લંડનના ચેરમેન શ્રી જોગિન્દર સેંગરને ભાવભીની વિદાય આપવા માટે ભવ્ય ઉજવણીનું આયોજન કરાયું હતું. 14મી સપ્ટેમ્બરના શુક્રવારના રોજ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો. મત્તુર નંદકુમારાએ પ્રાર્થના સાથે ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. શ્રી જોગિન્દર સેંગરના અનુગામી બની રહેલા સુભાનુ સક્સેનાએ ઉષ્માસભર આવકાર સંબોધન કર્યું હતું. તેમણે દાયકાઓ સુધી ભવન ખાતે આપેલી નિસ્વાર્થ સેવાઓ અને નેતૃત્વ માટે જોગિન્દરજી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. તેમનું માનવું છે કે દલાલજી અને જોગિન્દરજીએ કંડારેલા માર્ગ પર ચાલવું મોટો પડકાર છે.
આ પ્રસંગે શ્રી જોગિન્દરજીનું અભિવાદન કરતાં સાંસદ વિરેન્દ્ર શર્મા, લોર્ડ ધોળકિયા ઓબીઇ પીસી (ભવન યુકેના પેટ્રન), લોર્ડ સ્વરાજ પોલ પીસી (ભવન યુકેના પેટ્રન), લોર્ડ જિતેશ ગઢિયા, સાંસદ બેરી ગાર્ડનર, સાંસદ સીમા મલ્હોત્રા, વરિન્દર સિંહ (ભવન યુકેના એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર), ગોપીચંદ હિન્દુજા (ઉદ્યોગપતિ)એ ટૂંકા વક્તવ્યો રજૂ કર્યાં હતાં. દરેક મહાનુભાવના વક્તવ્યમાં જોગિન્દરજીએ છોડેલી અમિટ છાપ સ્પષ્ટ ઝલકતી હતી. માનવતાના ગુણો સાથે વણાયેલી તેમની અદ્વિતિય વેપાર સૂઝ, મદદ કરવાની તત્પરતા અને મૈત્રીપૂર્ણ સ્વભાવે તેમને મહાન આગેવાન બનાવ્યાં હતા. તેમના નેતૃત્વમાં ભવને નોંધપાત્ર આર્થિક પ્રગતિ કરી અને વાર્ષિક દીવાળી ભોજન સમારોહનું ઉદ્દઘાટન આજ દિન સુધી ભવનના ઇતિહાસનો સૌથી યાદગાર અને સફળ દિવસ બની રહ્યો છે. ઘણા વક્તાઓએ તેમના અભિવાદનમાં જણાવ્યું હતું કે, ભવન અથવા તો ભારત સરકાર દ્વારા અપાતો કોઇપણ પુરસ્કાર મહામાનવ શ્રી જોગિન્દરજીના વ્યક્તિત્વને ન્યાય આપી શકે નહીં.
ત્યારબાદ નંદાજીએ ઉલ્લેખ કર્યો હતો કે ભવનના પ્રમુખ શ્રી મેહતા અને ડિરેક્ટર જનરલ દસ્તૂરજીએ જોગિન્દરજીનો તેમની સેવાઓ માટે આભાર માનતાં શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે ભવનના નવા ચેરમેન સુભાનુ સક્સેનાનો આવકાર કર્યો હતો.
પોતાના કેટલાક સ્મરણો વાગોળતાં જોગિન્દરજીએ અભિવાદકોનો આભાર માન્યો હતો. તેમણે ભવન ખાતેના તેમના અનુભવોને તાજાં કર્યાં હતાં. તેમનું માનવું છે કે ભવન ખાતે સેવા કરવી એ અત્યંત ગૌરવની બાબત છે. ભવન ખાતે આપણી સંસ્કૃતિને પ્રેમ અને સન્માન આપતી દરેક વ્યક્તિનું સ્વાગત છે. તેમણે જણાવ્યું હતું કે, ભવન ખાતે સેવા કરતી વખતે મને એમ લાગતું કે હું મારી પોતાની સેવા કરતો હતો. સમારોહમાં શ્રી ઇન્દ્રા સેઠિયાનો સંદેશો શ્રીમતી શાંતિએ રજૂ કર્યો હતો જેમાં જોગિન્દરજીની સિદ્ધીઓ રજૂ કરાઇ હતી.
સમારોહમાં આગળ વધતાં ભવનના વાઇસ ચેરમેન ડો. સુરેખા મેહતાએ આભારદર્શન કર્યું ત્યારબાદ ભવનના વિદ્યાર્થીઓ દ્વારા ટૂંકો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો હતો. તેના પછી તમામ મહેમાનોને ભોજન પીરસવામાં આવ્યું હતું.


