કોઇપણ હિસાબે યુકે ઇરાન સામેના યુદ્ધમાં સામેલ નહીં થાયઃ વડાપ્રધાન સ્ટાર્મર

ઈરાન યુદ્ધથી બ્રિટનનું ભવિષ્ય મોટાપાયે પ્રભાવિત થશે પરંતુ આ સંકટને પહોંચી વળવા માટે બ્રિટન સંપૂર્ણપણે તૈયાર છેઃ વડાપ્રધાન

Tuesday 07th April 2026 11:03 EDT
 
 

લંડનઃ વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે, યુકે ઇરાન સામેના યુદ્ધમાં જોડાશે નહીં.વડાપ્રધાને જણાવ્યું હતું કે, સ્પષ્ટ છે કે આ યુદ્ધથી આપણા દેશના ભાવિને પણ અસર થશે. તેથી હું બ્રિટિશ જનતાને વિશ્વાસ અપાવવા માગુ છું કે આપણે તેનો સામનો કરવા માટે સારી સ્થિતિમાં છીએ. સ્ટાર્મરે જણાવ્યું હતું કે ઈરાન યુદ્ધથી બ્રિટનનું ભવિષ્ય મોટાપાયે પ્રભાવિત થશે પરંતુ આ સંકટને પહોંચી વળવા માટે બ્રિટન સંપૂર્ણપણે તૈયાર છે. મારા તમામ નિર્ણયો બ્રિટનના નાગરિકોના હિતમાં હશે. આ કારણથી હું સ્પષ્ટ કરવા માગું છું કે આ અમારું યુદ્ધ નથી અને અમે તેમાં પીસાવા માગતા નથી. અમે બ્રિટનના સૈન્યને એવા એકેય આક્રમક અભિયાનનો હિસ્સો નહીં બનવા દઈએ કે જેનાથી રાષ્ટ્રીય હિતોને નુકસાન પહોંચે. 

હોર્મુઝની ખાડીને મહત્વનો વૈશ્વિક એનર્જી રૂટ ગણાવતા સ્ટાર્મરે જણાવ્યું હતું કે, અમે આ સપ્તાહમાં 35 દેશના નેતાઓની એક બેઠક બોલાવી રહ્યાં છીએ જેથી હોર્મુઝની ખાડીને ફરી એકવાર ખુલ્લી મૂકી શકાય. બેઠકમાં વૈશ્વિક નેતાઓ હોર્મુઝની ખાડી ખુલ્લી મૂકવા માટે તમામ રાજદ્વારી અને રાજકીય પગલાં પર વિચારણા કરશે.

વડાપ્રધાને જણાવ્યું હતું કે, યુદ્ધ અટકશે તે પછી પણ હોર્મુઝની ખાડી આપોઆપ ખુલ્લી થવાની નથી. એ વાત સ્પષ્ટ છે કે યુકેના લાંબાગાળાના રાષ્ટ્રીય હિતો માટે યુરોપિયન સહયોગીઓ સાથે ગાઢ સંબંધ આવશ્યક છે.

ઇરાન સામેના યુદ્ધમાં નહીં જોડાવાના બ્રિટનના નિર્ણયથી અમેરિકી પ્રમુખ ટ્રમ્પ નારાજ છે. તેમણે કહ્યું કે બ્રિટન દ્વારા અમેરિકાને પોતાના સૈન્ય ઠેકાણાઓના અમર્યાદિત ઉપયોગની મંજુરી ન આપવી બંને દેશો વચ્ચેના જુના અને ખાસ સંબંધોમાં તિરાડનો સંકેત છે. આ નિર્ણયની બ્રિટનના અર્થતંત્ર પર પણ સીધી અસર પડી રહી છે.

ઇરાન યુદ્ધની અસરો યુકેમાં ફ્લાઇટો પર દેખાવા લાગી

ઇરાન યુદ્ધની અસરો હવે યુકેમાં ફ્લાઇટો પર પણ પડવા લાગી છે. ઔરિગ્ની ઓફ ગ્યુર્નસીએ મધ્ય એપ્રિલથી જૂનના પ્રારંભ સુધીની કેટલીક ફ્લાઇટ રદ કરી દીધી છે. ચેનલ આઇલેન્ડ એરલાઇને વૈશ્વિક અસ્થિરતાની અસરોનો સામનો કરવા માટે સક્રિય પગલાં લીધાં હોવાનું જણાવ્યું હતું. એરલાઇને હંગામી ધોરણે ફ્યુઅલ એડજસ્ટમેન્ટ સરચાર્જ પેટે પ્રતિ સેક્ટર 2 પાઉન્ડ વસૂલવાની પણ જાહેરાત કરી છે. બીજીતરફ ફ્લાઇટની માગમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. મે મહિનાના બુકિંગમાં 13 ટકાનો ઘટાડો નોંધાયો છે. એરલાઇને લંડનની ફ્લાઇટની સંખ્યામાં પણ ઘટાડો કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter