કોઈ પણ રીતે ઈયુમાંથી બહાર નીકળોઃ લોકોને વિગતોમાં નહિ, પરિણામમાં રસ

Friday 17th August 2018 03:29 EDT
 
 

લંડનઃ યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળવા માટે તેની સાથે કસ્ટમ્સ કે ટ્રેડ ડીલ કરવા કે ડીલ ના કરવાની અસમંજસ રાજકીય પક્ષો અને ખાસ કરીને શાસક કન્ઝર્વેટિવ પાર્ટીમાં ચાલી રહી છે ત્યારે એક પોલમાં મતદારોએ સ્પષ્ટ કર્યું છે કે ઈયુમાંથી કેવી રીતે બહાર નીકળવું તેની ચિંતા કર્યા વિના જ આ મુદ્દાનો પાર લાવો. ડેલ્ટાપોલના સર્વેમાં ૬૦ ટકા લોકોએ તેમને વિગતોમાં નહિ પરંતુ, પરિણામમાં રસ હોવાનું જણાવ્યું છે.

આ સર્વે વડા પ્રધાનને રાજી કરે તેવી શક્યતા છે. કારણકે રીમેઈનર છાવણીમાંથી પણ ૪૮ ટકા લોકોએ આવો મત દર્શાવ્યો છે. ૨૦૪૭ પુખ્ત લોકોના પોલ મુજબ ટોરી લીવ છાવણીના ૭૬ ટકા તેમજ લેબરતરફી ૭૫ ટકા બ્રેક્ઝિટ સમર્થકો ગમે તે રીતે ઈયુમાંથી બહાર નીકળવા ઈચ્છે છે. બીજી તરફ, ઈયુમાં રહેવાને સમર્થક છાવણીના ૫૮ ટકા ટોરી અને ૪૨ ટકા લેબર મતદારે પણ આ મુદ્દે સંમતિ દર્શાવી છે.

રાજકીય ફલકમાં રાજકારણીઓ અને વિવેચકો બ્રેક્ઝિટ વિશે અલગ અલગ ચર્ચા કરે છે ત્યારે બ્રિટિશરો અને ખાસ કરીને ઈયુમાંથી બહાર નીકળવા માગતા લોકોને વાટાઘાટોની બારીક વિગતોમાં રસ નથી. દેશ પાસે મેની યોજનાને ટેકો આપવો અથવા કોઈ વેપારસોદા વિના જ ઈયુમાંથી બહાર નીકળવાનો વિકલ્પ છે. ફરી પાછા મૂળ જગ્યાએ આવીને ઉભા રહેવા કરતાં વડા પ્રધાન થેરેસા મેના ચેકર્સ પ્લાનને ટેકો આપવાનું મતદારો વધુ પસંદ કરશે તેમ પણ મિનિસ્ટર્સને લાગે છે.

ઈયુમાં રહેવા ૫૩ ટકા લોકો રાજી

નવા બ્રેક્ઝિટ પોલ અનુસાર જો હાલ રેફરન્ડમ લેવામાં આવે તો ૫૩ ટકા બ્રિટિશરો ઈયુમાં રહેવા રાજી છે, જ્યારે ૪૩ ટકા લોકો ઈયુ છોડવા માગે છે. આનો નિર્ણય પાર્લામેન્ટે લેવો જોઈએ તેવો મત ૨૫ ટકાએ દર્શાવ્યો છે. પીપલ્સ વોટ કેમ્પેઈનના સર્વે મુજબ ઈયુ સાથે વાટાઘાટો પડી ભાંગે તો ઈયુમાં રહેવા કે ન રહેવાનો નિર્ણય પ્રજા પર છોડવો જોઈએ તેમ અડધાથી વધુ મતદારોએ કહ્યું છે. YouGov દ્વારા ૧૦,૦૦૦થી વધુ પુખ્ત લોકોનો આ મુદ્દે અભિપ્રાય મેળવાયો હતો. ૧૮ ટકા વિરુદ્ધની સરખામણીએ ૬૩ ટકા મતદારે એક્ઝિટ ડીલ માટે રેફરન્ડમને ટેકો આપ્યો છે. જો ડીલ ન થાય તેવી પરિસ્થિતિમાં ૫૬ ટકા ઈયુમાં રહેવા અને ૪૪ ટકા ઈયુ છોડવાના મતમાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter