લંડનઃ જન્મ સમયે માત્ર ૩૫૦ ગ્રામ (૧૨ ઔંસ) એટલે કે કોકના કેન જેટલું વજન ધરાવતું બાળક યુકેનું જીવિત રહેલું સૌથી નાનું બાળક હોવાનું મનાય છે. ગયા માર્ચમાં ન્યૂકેસલની રોયલ વિક્ટોરિયા ઈન્ફર્મરી ખાતે થીયો ટેલરનો જન્મ નિર્ધારિત સમય કરતાં ત્રણ મહિના વહેલો ૨૬ અઠવાડિયા અને પાંચમા દિવસે થયો હતો.
ગર્ભના ૧૯ અઠવાડિયાના સ્કેનિંગ બાદ તેના ડરહામના પેરન્ટ્સ કેટી રહોડ્સ (૨૪) અને જય ટેલર (૨૭)ને ડોક્ટરોએ કોઈ ખરાબ સમાચાર સાંભળવા તૈયાર રહેવા જણાવ્યું હતું. સ્કેનિંગમાં તેમનો પુત્ર જોઈએ તેના કરતાં ખૂબ જ નાનો જણાયો હતો. ટેસ્ટમાં પણ તેના હૃદયની આસપાસ પ્રવાહી હોવાનું દેખાયું હતું.
જોકે, ચાર મહિના સુધી હોસ્પિટલમાં રખાતા તેનું વજન ૭ પાઉન્ડ ૪ ઔંસ થયું હતું. તા. ૭ જુલાઈએ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તે હજુ ઓક્સિજન પર છે. પરંતુ, ડોક્ટરો માને છે કે તેને લાંબા ગાળાની કોઈ તકલીફ થશે નહીં. થીયો યુકેનો જીવિત રહેલો સૌથી નાનો છોકરો છે. જોકે, તે સૌથી ઓછાં વજનનો નથી, કારણ કે ૨૦૦૩માં બર્મિંગહામમાં આલિયા હાર્ટનો જન્મ થયો ત્યારે તેનું વજન માત્ર ૩૪૦ ગ્રામ હતું.


