લંડન
બ્રિટિશ કોલોનીઓમાં સ્વતંત્રતાના આંદોલનો ઉગ્ર બનતાં તત્કાલિન બ્રિટિશ સામ્રાજ્ઞી ક્વીન વિક્ટોરિયા દ્વારા કોમનવેલ્થની રચના કરવામાં આવી હતી. કોમનવેલ્થ નેશન્સ અથવા તો કોમનવેલ્થ તરીકે જાણીતા આ સંગઠનમાં હાલ 56 દેશો છે. મહારાણી એલિઝાબેથ બીજાના નિધન બાદ હવે કિંગ ચાર્લ્સ ત્રીજા કોમનવેલ્થ સંગઠનના વડા બન્યા છે. કોમનવેલ્થ દેશોમાં વિશ્વની કુલ વસતીના ત્રીજા ભાગના એટલે કે લગભગ 250 કરોડ લોકો વસવાટ કરે છે. કોમનવેલ્થ એક એવું સંગઠન છે જે બ્રિટિશ રાજવીને સીધેસીધા બ્રિટનની બહાર રહેતા એવા કરોડો લોકોને સાંકળે છે જેમણે ક્યારેય બ્રિટન સાથે સીધા સંબંધનો અનુભવ કર્યો નથી. ભારત પણ બ્રિટિશ કોલોની હોવાના કારણે કોમનવેલ્થ સંગઠનનો સભ્ય દેશ છે પરંતુ 1949માં નવા નવા સ્વતંત્ર થયેલા ભારતને જ્યારે કોમનવેલ્થમાં સામેલ થવાનું આમંત્રણ અપાયું ક્યારે તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નેહરૂએ શરત સાથે આમંત્રણનો સ્વીકાર કર્યો હતો. ભારતે શરત મૂકી હતી કે અમે સંગઠનમાં સામેલ તો થઇશું પરંતુ બ્રિટિશ તાજ સાથે અમારો કોઇ સંબંધ નહીં હોય. કોમનવેલ્થના દેશોએ આ શરત સ્વીકારી હતી ત્યારબાદ ભારત, પાકિસ્તાન અને શ્રીલંકા કોમનવેલ્થમાં સામેલ થયાં હતાં.
21 એપ્રિલ 1947ના રોજ સ્વ. ક્વીન એલિઝાબેથ બીજાએ તેમની 21મી વર્ષગાંઠ પર દક્ષિણ આફ્રિકાથી કરેલા સંબોધનમાં દેશોના બ્રિટિશ પરિવારના યુવાનોને વચન આપ્યું હતું કે હું મારું જીવન કોમનવેલ્થની સેવા માટે સમર્પિત કરીશ. 2 જૂન 1953ના રોજ તાજપોશી બાદ ક્વીન એલિઝાબેથે કોમનવેલ્થના વડા તરીકે સભ્યદેશોની મુલાકાત લેવાનો પ્રારંભ કર્યો હતો. ક્વીનને દરેક કોમનવેલ્થ દેશમાં ઉમળકાભેર આવકાર અપાતો હતો. સાત દાયકાના તેમના રાજવીકાળમાં ક્વીને 100 કરતાં વધુ દેશોની મુલાકાત લીધી છે. તેમના ઘણા પ્રવાસો બ્રિટિશ કૂટનીતિના પ્રતીકસમાન હતી. મહત્વની વાત એ છે કે કોમનવેલ્થ દેશોના શાસનમાં ક્વીનનો કોઇ પ્રભાવ નહોતો. બ્રિટનના રાજવીને પોતાના રાજા તરીકે સ્વીકારનાર દેશોમાં જ તેઓ કેટલીક બંધારણીય ફરજો નિભાવતા હતા.
ક્વીન એલિઝાબેથ બીજાનું નિધન કોમનવેલ્થ માટે એક નાજુક ક્ષણ છે. કોમનવેલ્થના 14 દેશો બ્રિટનના રાજવીને તેમના દેશના વડા તરીકે માન્યતા આપે છે. ઓસ્ટ્રેલિયા, ન્યૂઝિલેન્ડ અને કેનેડા બંધારણીય રાજાશાહી ધરાવે છે અને બ્રિટનના રાજવી તેમના પણ રાજવી છે. જોકે કેટલાક દેશો હવે પોતાને પ્રજાસત્તાક જાહેર કરવા લાગ્યા છે. 2021માં બાર્બાડોસે પોતાને પ્રજાસત્તાક દેશ જાહેર કર્યા બાદ હવે જમૈકા પણ પોતાના પાડોશી દેશના ચીલે આગળ વધી રહ્યો છે. કોમનવેલ્થના 31 દેશ પોતાને પ્રજાસત્તાક ઘોષિત કરી ચૂક્યાં છે જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. તેથી બ્રિટિશ રાજવી આ દેશોના શાસનમાં કોઇ હસ્તક્ષેપ કરી શક્તા નથી. જ્યારે બ્રુનેઇ, લિસોથો, મલેશિયા, ઇસ્વાતિની અને ટોંગામાં પોતાની રાજાશાહી છે.
1970ના દાયકામાં ડોમિનિકા, ગુયાના, ત્રિનિદાદ અને ટોબેગો સહિતના ઘણા દેશોએ ક્વીનને તેમના હેડ ઓફ સ્ટેટ તરીકે હટાવી દીધાં હતાં. જોકે બ્રિટિશ કોલોની ન હોય તેવા દેશો પણ કોમનવેલ્થમાં જોડાયાં છે. 1995માં મોઝામ્બિક, 2009માં રવાન્ડા, 2022માં ટોગો અને ગેબોન કોમનવેલ્થમાં જોડાયાં હતાં. મોઝામ્બિક પોર્ટુગીઝ કોલોની હતી જ્યારે રવાન્ડા પર બેલ્જિયન અને જર્મનો શાસન કરતા હતા. ટોગો અઅને ગેબોન ફ્રેન્ચ કોલોનીઓ હતી.
• એન્ટિગુઆ અને બર્બુડા રિપબ્લિક બનવા જનમત યોજશેઃ
એન્ટિગુઆ અને બર્બુડા રિપબ્લિક બનવા રેફરન્ડમ યોજવા ઈચ્છુક છે. આ બે ટાપુઓના દેશ 1981માં સ્વતંત્ર થયા હતા છતાં તેમણે યુકેના મોનાર્કને પોતાના દેશના વડા તરીકે રાખ્યા છે. કેરેબિયન રાષ્ટ્રના પ્રાઈમ મિનિસ્ટર ગેસ્ટન બ્રાઉને ક્વીનના નિધનના પગલે કિંગ ચાર્લ્સને રાજગાદી સુપરત કરાયા પછી ITV Newsને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે એન્ટિગુઆ અને બર્બુડા આગામી ત્રણ વર્ષમાં રિપબ્લિક બનવા વિશે નિર્ણય લેવાની યોજના ધરાવે છે. આ બાબતે રેફરન્ડમ લેવાશે. આનો અર્થ એ છે કે તેઓ કિંગ ચાર્લ્સ ત્રીજાને દેશના વડા તરીકે દૂર કરવા ઈચ્છે છે. ટાપુરાષ્ટ્ર એન્ટિગુઆ અને બર્બુડાની વસ્તી 100,000ની છે અને 1981માં બ્રિટનથી આઝાદ થયેલ છે. તે કોમનવેલ્થના 15 દેશોમાં એક છે જેઓ બ્રિટિશ રાજવીને દેશના વડા ગણાવે છે. બ્રાઉને કહ્યું હતું કે રિપબ્લિક બનવું તે આઝાદીનું ચક્ર પૂર્ણ કરવાની બાબત છે. કોઈ શત્રુતા કે દુશ્મનાવટનું કૃત્ય નથી અને તેનાથી કોમનવેલ્થના સભ્યપદનો અંત નહિ આવે.
• ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડમાં કિંગ ચાર્લ્સ દેશના વડાઃ
ઓસ્ટ્રેલિયાની રાજધાની કેનબેરા અને ન્યૂ ઝીલેન્ડની રાજધાની વેલિંગ્ટનમાં ખાસ સમારંભમાં કિંગ ચાર્લ્સ ત્રીજાને હેડ ઓફ સ્ટેટ તરીકે જાહેર કર્યા છે. ન્યૂ ઝીલેન્ડના પ્રાઈમ મિનિસ્ટર જેસિન્ડા આર્ડેને સ્પષ્ટ કર્યું હતું કે કિંગ ચાર્લ્સે અમારા દેશ પ્રતિ ઊંડી કાળજી દર્શાવી છે.
ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાને ક્વીન એલિઝાબેથ દ્વિતીયના નિધનના પગલે કિંગ ચાર્લ્સને ઓછામાં ઓછાં ત્રણ વર્ષ સુધી દેશના વડા તરીકે રાખવાની સ્પષ્ટતા કરી છે. વડા પ્રધાન એન્થોની આલ્બેનીઝે કહ્યું છે કે ક્વીન પ્રત્યે ભારે આદરના કારણે તેઓ પોતાની પ્રથમ ટર્મમાં રિપબ્લિક બનવા માટે રેફરન્ડમ યોજશે નહિ. ક્વીનના નિધન સાથે ઓસ્ટ્રેલિયામાં રાજાશાહી સાથે દેશના સંબંધ વિશે ચર્ચા ફરી જાગી છે.

