કોમનવેલ્થ યુથ એવોર્ડ્સ 2022 માટેના ફાઈનાલિસ્ટ્સમાં ભારતીય સુપ્રિયા પોલને સ્થાન

Tuesday 01st March 2022 13:14 EST
 
 

લંડનઃ કોમનવેલ્થ યુથ પ્રોગ્રામ દ્વારા એવોર્ડ્સ 2022 માટે 17 કોમનવેલ્થ દેશોમાંથી 15-29 વયજૂથના 20 ફાઈનાલ્સ્ટ્સની જાહેરાત કરવામાં આવી છે. ઈન્વેન્ટર્સ, એક્ટિવિસ્ટ્સ અને એન્ટ્રેપ્રીન્યોર્સ સહિતના આ ફાઈનાલિસ્ટોમાં એશિયામાંથી ભારતની સુપ્રિયા પોલ, પાકિસ્તાનના અબ્રાહમ અલી શાહ, શ્રી લંકાના લિલાન દયાનંદા, સિંગાપોરના એડવર્ડ યી તેમજ યુકેની જેમિમા લોવાટ્ટનો સમાવેશ થયો છે. 16 માર્ચના સત્તાવાર એવોર્ડ્સ સમારંભમાં કોમનવેલ્થ યંગ પર્સન ઓફ ધ યર 2022ની જાહેરાત કરવામાં આવશે.

કોમનવેલ્થ યુથ પ્રોગ્રામ દ્વારા આયોજિત એવોર્ડ્સમાં કોમનવેલ્થ દેશોના 15-29 વયજૂથના યુવાનોની કદર કરવામાં આવે છે જેમના પ્રોજેક્ટ્સ તેમની કોમ્યુનિટીઓમાં જીવનમાં તફાવત લાવે છે, જટિલ સમસ્યાઓનો વ્યવહારુ ઉકેલ આપે છે અને યુએનના ટકાઉ વિકાસ લક્ષ્યોઅને 2020ના એજન્ડાને હાંસલ કરવામાં મદદ કરે છે.

એવોર્ડ્સના 20 ફાઈનાલિસ્ટોમાં અચારે ઈલિવ આયામ્બા (કેમરુન, આફ્રિકા), જોય એગબે (નાઈજિરિયા, આફ્રિકા), ફ્રાન્ક કામુગ્યિશા (યુગાન્ડા, આફ્રિકા), સિલ્વિયા ક્યોમુહેન્ડો (યુગાન્ડા, આફ્રિકા), સુપ્રિયા પોલ (ભારત, એશિયા), અબ્રાહમ અલી શાહ (પાકિસ્તાન, એશિયા), એડવર્ડ યી (સિંગાપોર, એશિયા), લિલાન દયાનંદા (શ્રી લંકા, એશિયા), માઈકલ એલેકઝાન્ડર (ટ્રિનિદાદ-ટોબેગો, કેરેબિયન્સ), સાશા મિડલટન (એન્ટિગુઆ એન્ડ બર્મ્યુડા, કેરેબિયન્સ), રિઆના પેટરસન (કેમરુન, કેરેબિયન્સ), મોનિક વેરનોન (બેલિઝ, કેરેબિયન્સ), આશા હોલિસ (કેનેડા, યુરોપ-કેનેડા), મારિયા ક્રામવી (સાયપ્રસ, યુરોપ-કેનેડા), જેમિમા લોવાટ્ટ (યુકે, યુરોપ-કેનેડા), કાશા સિક્યુઓઈઆ સ્લાવનેર (કેનેડા, યુરોપ-કેનેડા), થોમ્પસન ઓરી (પપુઆ ન્યુ ગિની, પાસિફિક), મેડેલિન બુચનેર (ઓસ્ટ્રેલિયા, પાસિફિક), નાઓમી લોન્ગા (પપુઆ ન્યુ ગિની, પાસિફિક) અને લેવેન્તાનાલાગી સેરુઈરાડુવાટુ (ફિજી, પાસિફિક)નો સમાવેશ થયો છે.

દિલ્હી, ભારતમાંથી ફાઈનાલિસ્ટ સુપ્રિયા પોલ ‘જોશ ટોક્સ’ની સીઈઓ અને સ્હસ્થાપક છે. આ સોશિયલ-ટેક સંસ્થા ફિઝિકલ અને ડિજિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મદદથી સારું કામ-નોકરી શોધવા માટેનું કૌશલ્ય શીખવાડી ભારતીય યુવાનોની મહત્ત્વાકાંક્ષાઓને સપોર્ટ કરે છે. ભારતની 10 પ્રાદેશિક ભાષાઓમાં રજૂ કરાતી જોશ ટોક્સ ચેનલના 13 મિલિયનથી વધુ સબસ્ક્રાઈબર્સ છે. તેની ઈ-લર્નિંગ એપ દ્વારા 160,000થી વધુ યુવાનો પોતાની કારકિર્દી આગળ વધારવા મહત્ત્વપૂર્ણ ટેકનિકલ અને સોફ્ટ સ્કિલ્સ શીખે છે.

આ વર્ષે સૌથી વધુ એટલે કે 100થી વધુ એન્ટ્રીઝ આવી હતી અને કડક નિર્ણયપ્રક્રિયા પછી એવોર્ડ્સની પાંચ પ્રાદેશિક કેટેગરી (આફ્રિકા, એશિયા, કેરેબિયન્સ, યુરોપ-કેનેડા અને ધ પાસિફિક)માંથી ફાઈનાલિસ્ટ્સની પસંદગી કરાઈ હતી. દરેક રીજિયનમાંથી ટોપ ફાઈનાલિસ્ટની 16 માર્ચે સત્તાવાર એવોર્ડ્સ સમારંભમાં જાહેરાત કરાશે. આ પાંચ પ્રાદેશિક વિજેતાઓમાંથી એક નોંધપાત્ર યુવા વ્યક્તિને કોમનવેલ્થ યંગ પર્સન ઓફ ધ યર 2022 તરીકે જાહેર કરાશે. કોવિડ-19ના કારણે બીજી વખત વર્ચ્યુઅલ યોજાનારા સમારંભનું કોમનવેલ્થ સોશિયલ પ્લેટફોર્મ પરથી જીવંત પ્રસારણ કરવામાં આવશે.

તમામ 20 ફાઈનાલિસ્ટને ટ્રોફી, સર્ટિફેટ અને તેમના પ્રોજેક્ટ્સની અસર વધારવા 1,000 પાઉન્ડ મળશે. દરેક રીજિયોનલ વિજેતાને 3,000 પાઉન્ડ અને મુખ્ય કોમનવેલ્થ વિજેતાને 5,000 પાઉન્ડ મળશે. ક્વીનની પ્લેટિનમ જ્યુબિલીને ધ્યાનમાં રાખી કોમનવેલ્થ સેક્રેટરિયટે ક્વીન્સના કોમનવેલ્થ ટ્રસ્ટ (QCT)ના સહયોગમાં એક પ્રોજેક્ટના ફંડિંગ માટે વધારાનું 40,000પાઉન્ડનું પ્રાઈઝ જાહેર કર્યું છે જે બે વર્ષના સમયગાળામાં પુરું પડાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter