લંડન
મહારાણી એલિઝાબેથ બીજાના નિધન બાદ બ્રિટનના રાજવી નિયુક્ત થયેલા કિંગ ચાર્લ્સ ત્રીજા પર કોમનવેલ્થની જવાબદારી આવી પડી છે. 56 સભ્યો ધરાવતા આ સંગઠનને કિંગ ચાર્લ્સ ભવિષ્યમાં કેવી રીતે એકજૂથ રાખી શકશે તે અંગે સવાલો ઉઠી રહ્યાં છે કારણ કે સભ્ય દેશોમાં જ સંગઠનના ભાવિ અંગે શંકાઓ છે. દાયકાઓ સુધી અત્યાચારોનો સામનો કરનારી બ્રિટિશ કોલોનીઓએ ઉતાવળે પોતાને પ્રજાસત્તાક જાહેર કરી દીધાં હતાં અને હવે બ્રિટનના રાજવીને પોતાના વડા માનનારા દેશોની સંખ્યા ફક્ત 15 રહી ગઇ છે. તેમાંથી પણ ઘણા દેશો પોતાને પ્રજાસત્તાક જાહેર કરવાની કવાયત કરી રહ્યાં છે. ગયા વર્ષે બાર્બાડોસે પોતાને પ્રજાસત્તાક દેશ જાહેર કરીને બ્રિટિશ રાજવીના વડપણને ફગાવી દીધું હતું. હવે જમૈકા, બર્મુડા અને ઓસ્ટ્રેલિયા પણ આ દિશામાં આગળ વધવાની તૈયારી કરી રહ્યાં છે.
બ્રિટિશ સામ્રાજ્યની રાખમાંથી તૈયાર કરાયેલા કોમનવેલ્થ સંગઠનને એકજૂથ રાખવામાં મહારાણી એલિઝાબેથ બીજાએ મહદ્દ અંશે સફળતા હાંસલ કરી હતી. મહારાણીના નિધન પર કોમનવેલ્થ દેશો સહાનુભૂતિ તો પ્રગટ કરી રહ્યાં છે પરંતુ આ સંગઠનની 21મી સદીમાં યથાર્થતા પર તેમની મધ્યે જ મતભેદો પ્રવર્તી રહ્યાં છે.
વર્ષો સુધી કોમનવેલ્થ સાથે સંકળાયેલા એક આફ્રિકન અધિકારી કહે છે કે સૌથી મહત્વના સવાલ એ છે કે કોમનવેલ્થ સંગઠન અમારા માટે કરે છે શું? તે અમને કોઇ સહાય આપતું નથી કે નથી કોઇ સ્કોલરશિપ આપતું. ઝિમ્બાબ્વેમાં લોકશાહીની સ્થાપના અંગે કોમનવેલ્થમાં કોઇ ચર્ચા કરાતી નથી. આજની યુવાપેઢી ફક્ત કોમનવેલ્થ ગેમ્સ જોઇને સંતોષ માની લે છે.
ઘણા આફ્રિકન દેશોમાં કોમનવેલ્થ અંગેની ધારણાઓ વિરોધાભાસી છે. આફ્રિકન બિઝનેસમેન વિક્ટર એક્વીલોર કહે છે કે કોમનવેલ્થ સંગઠનના સભ્યનું મહત્વ શું છે. આ સંગઠન કયા કામ માટે અસ્તિત્વ ધરાવે છે.
કિંગ ચાર્લ્સે કોમનવેલ્થના અસ્તિત્વને ટકાવી રાખવું હશે તો તેમણે કોમનવેલ્થ દેશો સાથેના સંપર્કો મજબૂત બનાવવા પડશે. તેમના માટે આંતરરાષ્ટ્રીય મંચ પર અવાજ ઉઠાવવો પડશે. મહારાણી આ મામલામાં માહેર હતા. કોમનવેલ્થનો કોઇપણ નેતા બ્રિટન આવતો તો મહારાણી તેને સત્તાવાર મુલાકાત બનાવી દેતાં હતાં અને તેમને પોતાના પેલેસમાં મુલાકાત માટે અવશ્ય નિમંત્રણ આપતા હતા. હવે કિંગ ચાર્લ્સ કોમનવેલ્થ દેશોના નેતાઓને કેવું પ્રાધાન્ય આપે છે તે જોવું રહ્યું.
મહારાણીના નિધનના થોડા સમય પહેલાં કિંગ ચાર્લ્સે કોમનવેલ્થ દેશોને જણાવ્યું હતું કે, આપણી પાસે છેલ્લા 70 વર્ષમાં મજબૂત બનેલી મિત્રતાનો ખજાનો છે. આવનારા વર્ષોમાં આપણે આ સંબંધોને વધુ મજબૂત બનાવીશું.
મહારાણી કોઇપણ કોમનવેલ્થ દેશની રાજકીય બાબતમાં માથુ મારતા નહોતા. તેઓ ફક્ત કોમનવેલ્થના મામલાઓ પર જ પોતાના પ્રભાવનો ઉપયોગ કરતા હતા. કોમનવેલ્થ દેશોમાં મહારાણીએ પ્રાપ્ત કરેલો આદર ભવિષ્યમાં કોઇ મેળવી શકશે નહીં. કિંગ ચાર્લ્સના અન્ય હિતો છે પરંતુ તેઓ તેમની માતા જેવી સમજણ કોમનવેલ્થનું અસ્તિત્વ ટકાવી રાખવામાં ઉપયોગમાં લેશે.
કોમનવેલ્થના વડા તરીકે સભ્ય દેશોને રોટેશનમાં તક આપવાની માગ પણ ઘણા લાંબાસમયથી ઉઠી રહી છે. જોકે મહારાણી ઇચ્છતા હતા કે તેમનો પુત્ર જ કોમનવેલ્થનું નેતૃત્વ સંભાળે. હવે જોવાનું રહ્યું કે કોમનવેલ્થના મામલામાં કિંગ ચાર્લ્સ ત્રીજા કેટલી કાબેલિયત બતાવે છે.


