કોમનવેલ્થના ૩.૫ લાખ શહીદ સૈનિકો સાથે મરણોત્તર પણ ભેદભાવઃ બ્રિટને માફી માગી

Wednesday 28th April 2021 05:54 EDT
 
 

લંડનઃ પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધમાં બ્રિટિશ એમ્પાયર તરફથી લડેલા લાખો અશ્વેત અને એશિયન સૈનિકોની યાદગીરી જાળવવામાં ભેદભાવ રખાયો હોવાનું કોમનવેલ્થ વોર ગ્રેવ્ઝ કમિશન (CWGC)ના અહેવાલમાં જણાવાયું છે. સમિતિએ અહેવાલમાં દાવો કર્યો હતો કે વ્યાપક રંગભેદના કારણે કોમનવેલ્થ દેશોના ૩.૫ લાખ શહીદ સૈનિકોને ભૂલાવી દેવાયા છે. તેમની કદર ત્યારે અને પછી પણ કરાઈ ન હતી. ઓછામાં ઓછા ૧૧૬,૦૦૦થી ૩૫૦,૦૦૦ શહીદ સૈનિકોમાં ભારતના પણ ૫૦,૦૦૦થી વધુ સૈનિકોનો સમાવેશ થતો હતો. આ સૈનિકો સાથે ભેદભાવભર્યું વર્તન કરવામાં આવ્યું હતું.

યુદ્ધમાં શહીદ થયેલા ભારતીયો સહિતના એશિયન અને અશ્વેત આફ્રિકન સૈનિકોને યુરોપિયન અને શ્વેત સૈનિકોની સરખામણીએ સત્તાવાર સ્મારક અથવા ખાંભીનું સન્માન અપાયું નથી. વિશ્વ યુદ્ધની એક સદી પછી બ્રિટનને માફી માગવાનું યાદ આવ્યું છે અને બ્રિટિશ ડિફેન્સ સેક્રેટરી બેન વોલેસે આવા રંગભેદી ભેદભાવ બદલ હાઉસ ઓફ કોમન્સમાં માફી માગી હતી.

પાર્લામેન્ટમાં CWGC અહેવાલના પગલે બ્રિટનને માફી માગવાનું યાદ આવ્યું હતું. વિશ્વ યુદ્ધની એક સદી પછી હાઉસ ઓફ કોમન્સમાં બ્રિટિશ ડિફેન્સ સેક્રેટરી બેન વોલેસે માફી માગતા કહ્યું હતું કે,‘ હું બ્રિટિશ સરકાર વતી આજે અને એ સમયે પણ કોમનવેલ્થના શહીદ સૈનિકોની કદર ન કરવા બદલ શરમ અનુભવું છું. બ્રિટનને એ વાતનો ખેદ છે કે આટલા વર્ષોથી આ નામી-અનામી સૈનિકોને યોગ્ય સમ્માન ન મળ્યું. આપણે ભૂતકાળ બદલી શકતા નથી, પરંતુ આપણે વર્તમાનમાં તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી શકીએ છીએ.’

પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજા વિશ્વયુદ્ધમાં ભારતના અસંખ્ય સૈનિકો બ્રિટનના પક્ષે  લડયા હતા. પ્રથમ વિશ્વયુદ્ધમાં જ ૫૦,૦૦૦ કરતાં વધુ ભારતીય સૈનિકો શહીદ થયા હતા, પરંતુ બ્રિટને એ વખતે રંગભેદના કારણે ભારતીય સૈનિકોને યોગ્ય સમ્માન આપ્યું ન હતું. આ સૈનિકોની બ્રિટને કોઈ જ કદર કરી ન હતી.

ડોક્યુમેન્ટરી ‘અનરિમેમ્બર્ડ’ પછી તપાસના આદેશ

લેબર પાર્ટીના સાંસદ ડેવિડ લેમી દ્વારા પ્રેઝન્ટ કરાયેલી ચેનલ -૪ની ડોક્યુમેન્ટરી ‘અનરિમેમ્બર્ડ - Unremembered’માં ટાન્ઝાનિયામાં આફ્રિકન સૈનિકોની કબરોની જરા પણ સારસંભાળ લેવાઈ નથી અને યુરોપિયન ઓફિસર્સની કબરોની આજે પણ કાળજી રખાય છે તેમ દર્શાવાયું હતું. આ પ્રોગ્રામમાં કમિશનના દસ્તાવેજોને ટાંકી આફ્રિકન સૈનિકોનો ઉલ્લેખ ‘સેમી સેવેજ અથવા તો અર્ધજંગલી’ તરીકે કરાતો હોવા સાથે તેઓ આવા સ્મારકની કદર કરી શકે તેવી સભ્યતા ધરાવતા નથી અને દરેક સૈનિક માટે ખાંભીસ્મારક ઉભું કરવામાં લોકોના નામા વેડફાશે તેમ પણ જણાવાયું હતું.

આ ડોક્યુમેન્ટરીના પગલે કોમનવેલ્થ દેશોના ધ કોમનવેલ્થ વોર ગ્રેવ્સ કમિશને (CWGC) ૨૦૧૯માં એક વિશેષ સમિતિ બનાવી હતી. કોમનવેલ્થ દેશો કે જે પ્રથમ અથવા બીજું વિશ્વ યુદ્ધ બ્રિટિશ સામ્રાજ્યના નેજા હેઠળ લડયા હતા. તેમના અંદાજે ૧૭ લાખ સૈનિકોએ બ્રિટનના પક્ષે યુદ્ધમાં ઝંપલાવીને શહીદી વહોરી હતી. એમાંથી ક્યા દેશોના સૈનિકોને યોગ્ય સમ્માન મળ્યું નથી તેનો અહેવાલ તૈયાર કરવાનું કામ એ સમિતિને સોંપવામાં આવ્યું હતું.

કોમનવેલ્થ વોર ગ્રેવ્સ કમિશનના ડિરેક્ટર જનરલ ક્લેયર હોર્ટને કહ્યું હતું કે,‘ અમે કોમનવેલ્થ દેશોના એ અજાણ્યા-બહાદુર સૈનિકોની કદર આટલા વર્ષો સુધી કરાવી ન શકયા તે બદલ દિલગીર છીએ. એક સદી પહેલાં બનેલી આ ઘટના ત્યારે પણ ખોટી હતી અને અત્યારે પણ ખોટી છે.’ સમિતિના એક સભ્યએ કહ્યું હતું કે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે પ્રથમ વિશ્વયુદ્ધમાં ભારતના ૫૦ હજાર સૈનિકો શહીદ થયા હતા. આ સૈનિકોને આજ દિવસ સુધી યોગ્ય રીતે યાદ કરાયા નથી.

ફ્રાન્સ અને બેલ્જિયમમાં જૂન ૧૯૧૯ સુધીમાં કબરો ખોદવાના કામમાં ૧૫,૦૦૦ મજૂરોને કામે લગાવાયા હતા જ્યારે પૂર્વ આફ્રિકા આફ્રિકામાં ૬૫૦,૦૦૦ ચોરસ માઈલથી વધુ ક્ષેત્રફળમાં આવેલા સાત દેશો માટે માત્ર ૬ ઓફિસર અને ૧૩૦ સ્ટાફ મેમ્બર્સ ફાળવાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter