કોમન્સમાં ક્વીન્સ સ્પીચ પસારઃ ત્રણ લેબર ફ્રન્ટબેન્ચરની હકાલપટ્ટી

Monday 03rd July 2017 08:42 EDT
 

લંડનઃ ઈયુ સિંગલ માર્કેટ અને કસ્ટ્મ્સ યુનિયનમાં બ્રિટન રહે તે માટે ક્વીન્સ સ્પીચમાં મૂકાયેલા સુધારાની તરફેણ કરવા બદલ લેબર પાર્ટીના ત્રણ ફ્રન્ટબેન્ચરની નેતા જેરેમી કોર્બીને હકાલપટ્ટી કરી છે. એન્ડી સ્લોટર, કેથેરીન વેસ્ટ અને રુથ કેડબરીએ પાર્ટીના આદેશની વિરુદ્ધ સુધારાની તરફેણમાં મત આપ્યો હતો. કોર્બીને પાર્ટીના સભ્યોને મતદાનથી અળગાં રહેવા આદેશ આપ્યો હતો.

હાઉસ ઓફ કોમન્સમાં ડીયુપીના ટેકા અને ૧૪ મતની બહુમતી સાથે ટોરી થેરેસા સરકારની ક્વીન્સ સ્પીચ ૩૨૩ વિરુદ્ધ ૩૦૯ મતે પસાર કરવામાં આવી હતી, જેમાં લેબર પાર્ટી ૫૦ સભ્યોએ કોર્બીનની અવગણના કરી ઈયુ સિંગલ માર્કેટમાં રહેવાની તરફેણ કરી હતી. સામાન્ય ચૂંટણીના પરિણામોથી મજબૂત બનેલા કોર્બીને કડક વલણ દર્શાવ્યું હતું. અગાઉ, આર્ટિકલ ૫૦ના આરંભ સંદર્ભે બળવો કરનારા શેડો મિનિસ્ટર્સ સામે કોઈ પગલાં લેવાયાં ન હતાં.

શેડો હાઉસિંગ મિનિસ્ટર્સ એન્ડી સ્લોટર અને રુથ કેડબરી તથા શેડો ફોરેન મિનિસ્ટર કેથેરીન વેસ્ટ સહિત લેબર પાર્ટીના ૪૯ સાંસદો, SNP, લિબરલ ડેમોક્રેટ્સ, ગ્રીન પાર્ટી અને પ્લેઈડ સીમરુ પાર્ટી સાથે સુધારાને સમર્થનમાં જોડાયાં હતાં. ચોથા ફ્રન્ટબેન્ચર અને ઈયુતરફી ડેનિયલ ઝેઈકનરે મતદાન પહેલા શેડો ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરના પદેથી રાજીનામું આપી દીધું હતું. કુલ ૧૦૧ સાંસદોએ સુધારાને ટેકો આપ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter