લંડનઃ બ્રોડકાસ્ટર, કોમેડિયન અને સેલેબ્રિટી શેફ હરદીપસિંહ કોહલી સામે બીબીસી સ્કોટલેન્ડના હેડક્વાર્ટર સહિતના સ્થળોએ 3 મહિલાઓ પર શારીરિક શોષણના હુમલાઓ માટે ખટલો ચલાવાશે. 56 વર્ષીય કોહલીને શુક્રવારે ગ્લાસગો શેરિફ કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા જ્યા તેમણે તેમના પર મૂકાયેલા આરોપ નકાર્યા હતા. આ હુમલા એપ્રિલ 2007થી ડિસેમ્બર 2016 વચ્ચે કરાયા હતા.
ગ્લાસગોમાં વસવાટ કરતા કોહલી ધ વન શૉ, સેલેબ્રિટી બીગ બ્રધર અને સેલેબ્રિટી માસ્ટર શેફ જેવા ટીવી પ્રોગ્રામ સાથે સંકળાયેલા હતા અને એડિનબરો ફ્રિન્જ ફેસ્ટિવલમાં સંખ્યાબંધ વન મેન શૉનું આયોજન કરી ચૂક્યાં છે.
કોહલી પર ગ્લાસગોમાં બીબીસી સ્ટુડિયો ખાતે એક મહિલા સાથે અસભ્ય વર્તનનો આરોપ છે. કોહલીએ મહિલાને પોતાની બાજુઓમાં જકડી લીધી હોવાના આરોપ મૂકાયા હતા. તે ઉપરાંત આ મહિલાએ કોહલી પર ગ્લાસગો બાર એન્ડ રેસ્ટોરન્ટ ખાતે સેક્સ્યુઅલ ટિપ્પણી કરવાનો આરોપ મૂક્યો હતો.