કોમ્યુનિટી ફાર્મસીઝ આ મહામારીના અપ્રસિદ્ધ હીરોઝઃ મેયર સાદિક ખાન

શેફાલી સક્સેના Wednesday 03rd November 2021 07:15 EDT
 
 

લંડનઃ ‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ સાથે વિશેષ મુલાકાતમાં લંડનના મેયર સાદિક ખાને કોમ્યુનિટી ફાર્મસીના મહત્ત્વ, મહિલાઓની સલામતી, સાંસદોની સુરક્ષા અને ક્લાઈમેટ ચેન્જ સહિતના વિષયો પર વિસ્તૃત વાત કરી હતી. તેમણે કોમ્યુનિટી ફાર્મસીઝને આ મહામારીના અપ્રસિદ્ધ હીરોઝ-નાયક તરીકે બિરદાવી હતી. મેયર ખાને આ શિયાળામાં લંડનવાસીઓને પોતાના, સ્નેહીજનો અને NHSને બચાવવા માટે ફ્લુ વેક્સિન તેમજ કોરોના વેક્સિનનો બૂસ્ટર ડોઝ લઈ લેવા અનુરોધ પણ કર્યો હતો.

લંડનમાં કોરોના વાઈરસ કેસીસ અને હોસ્પિટલમાં એડમિશન્સનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે તેમણે વાઈરસનો ફેલાવો ધીમો પાડવા તમામ જાહેર સ્થળોએ ફેસ કવરિંગ ફરજિયાત અને પોલીસ દ્વારા અમલી બનાવી શકાય, શાળાઓ અને વ્યસ્ત પબ્લિક ઈનડોર સેટિંગ્સમાં વેન્ટિલેશન સુધારવા તેમજ જે લોકોને સેલ્ફ-આઈસોલેટડ થવું પડે તેમને સપોર્ટ વધારવા સહિતના ઝડપી પગલાં લેવાના પ્રયાસો વધારવા પણ સરકારને જણાવ્યું હતું.

કોમ્યુનિટી ફાર્મસીની અભૂતપૂર્વ કામગીરી

ગત સપ્તાહે લંડનના મેયર સાદિક ખાનને તેમના GP એ ટૂટિંગની ફાર્મસીમાં બૂસ્ટર અને ફ્લુ વેક્સિન લેવા બોલાવ્યા હતા. મેયરે ‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ને જણાવ્યું હતું કે,‘ GP પ્રેક્ટિસીસ પેશન્ટ્સને રુબરુ તપાસતા ન હતા, હોસ્પિટલોમાં પણ તેમની તપાસ કરાતી ન હતી તેવા મનહામારીના સમયમાં ફાર્માસિસ્ટ્સ અને ખાસ કરીને કોમ્યુનિટી ફાર્મસીઓએ અભૂતપૂર્વ કામગીરી બજાવી હતી. ડેન્ટિસ્ટ્સ પણ બંધ હતા ત્યારે ફાર્મસીઓ ખુલ્લી હતી. કોમ્યુનિટી ફાર્મસીઝ આ મહામારીના એવાં હીરોઝ છે જેમને યોગ્યપણે બિરદાવાઈ નથી. તેમની કામગીરી બદલ હું તેમનો આભાર માનવા ઈચ્છું છું. પ્રાઈમરી કેર સમસ્યાનો સામનો કરે છે ત્યારે ફાર્માસિસ્ટ્સને સપોર્ટ કરવાનું સરકાર માટે મહત્ત્વનું છે. શિયાળામાં વધુ અને વધુ લોકો તેમના વિશ્વાસુ ફાર્માસિસ્ટ પર આધાર રાખશે.

લઘુમતી સમુદાય અને મહિલાઓને પ્રોત્સાહન

મેયર સાદિક ખાને લઘુમતી સમુદાય અને મહિલાઓ પબ્લિક સર્વિસ સેક્ટરમાં સંકળાય તેને ઉત્તેજન આપવાની જરૂરિયાતને સ્વીકારી હતી. તેમણે કહ્યું હતું કે અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી (BAME) સમુદાયના લોકો સત્તા અને વગશાળી ચાવીરુપ સ્થાનો પર હોય તે ઘણું અગત્યનું છે જેથી, તેઓ લઘુમતી સમુદાય અને મહિલાઓને પબ્લિક સર્વિસ સેક્ટર, રાજકારણ અને પ્રતિનિધિત્વની પ્રવૃત્તિઓમાં સંકળાવાને ઉત્તેજન આપી શકે.

મહિલા સલામતી અને સાંસદોની સુરક્ષા

નાઈટ ક્લબ્સમાં મહિલાઓને સ્પાઈકિંગ- નીડલ્સ ખોસવી, ઠંડા કલેજે હત્યાઓ અને પોલીસ ઓફિસર્સમાં વિશ્વાસ ગુમાવવા સહિત મહિલાઓની સલામતીના પ્રશ્ને મેયર ખાને જણાવ્યું હતું કે આપણે છોકરીઓ-સ્ક્ષીઓ વિરુદ્ધ હિંસાના રોગચાળાને ડામી દઈએ તે અગત્યની બાબત છે. આપણી પાસે યોગ્ય કાયદા હોય તે પણ જરૂરી છે. સ્ત્રીદ્વેષને હેટ ક્રાઈમ તેમજ જાહેર સ્થળોએ સ્ત્રીઓની કનડગતને ક્રિમિનલ ગુનો બનાવવો જોઈએ. પોલીસમાં ઈન્વેસ્ટ કરવા સાથે ઓફિસરોની યોગ્ય ચકાસણી કરાય તે પણ જરૂરી છે. મેયર ખાને સર ડેવિડ એમેસની કમનસીબ હત્યા તેમજ સાંસદો અને સત્તા પરના લોકોની સુરક્ષા વિશે પણ લાગણીઓ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે આપણે યુવાનોને રાજકારણમાં સામેલ થવા પ્રોત્સાહન આપતા હોઈએ ત્યારે આપણા રાજકારણીઓને સુરક્ષિત રાખવાનું પણ મહત્ત્વપૂર્ણ છે. લોકશાહીમાં મતદારો સાથે હળવુંમળવું જરૂરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter